સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરી
સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની તપાસ ટીમ દ્વારા સાયલા તાલુકાના ડોળીયા ખાતે વનાલિયા જમીન વિસ્તાર, ભોગાવો નદી કાંઠા વિસ્તારમાં સેન્ડ સ્ટોન/ સિલિકા સેન્ડ ખનીજની ગેરકાયદેસર ખોદકામ અને સંગ્રહ અન્વયે આકસ્મિક તપાસ કરતા એક એસ્કવેટર મશીન ચાલુ હાલતમાં તથા ક્રસર પ્લાન્ટ ગેરકાયદેસર પ્રસ્થાપિત કરેલ તે પકડવામાં આવ્યા હતા.ત્યારબાદ કચેરીના સર્વેયર દ્વારા તાજા ખાણકામ તથા સંગ્રહ કરેલ સિલિકા સેન્ડ/સેન્ડ સ્ટોનની માપણી કરી ફોટોગ્રાફી તેમજ જી.પી.એસ. પોઈન્ટ લેવામાં આવ્યા હતા.આ તમામ એક કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો હતો તેમજ એસ્કવેટર સીઝ કરી બહુમાળી ભવન ખાતે મુકવામાં આવ્યું હતું.
વધુમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા તપાસ કરતા જાણવા મળેલ કે થોડા દિવસ પહેલા આ ગેરકાયદેસર ચાલતા પ્લાન્ટમાં એક મજુરનો હાથ પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં આવી ગયો હતો જે અંગેની ફરિયાદ સાયલા પોલીસ સ્ટેશન ખાતે થયેલ છે. આ ઉપરાંત આગળની દંડકીય કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી ખાતેથી નિયમોનુસાર કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.