સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાતા લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને લગતા કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે. એક બાજુ લોકો કોરોનાના કહેરથી બચવા મોંઢા પર ફરજીયાત માસ્ક અને વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ અને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કોરોના ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરી રહ્યાં છે. બીજી બાજુ આરોગ્ય તંત્ર 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસિકરણ પર ભાર મૂકી કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને ફ્રન્ટ લાઇન વર્કરોને કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરી છે. છતાં કેટલાક લોકો કોરોના ગાઇડલાઇનનું બિલ્કુલ પાલન ન કરવાની સાથે કોરોનાને વણમાંગ્યુ નોંતરૂ આપી રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ચોટીલા અને પાટડી પથંકમાં કોરોનાની ઝપેટમાં અનેક લોકો આવી ગયા હતા. અને ઓક્સિજન લેવલ ઘટી જવાના લીધે અનેક લોકો અકાળે મોતને ભેંટવાના બનાવો પણ સામે આવ્યા હતા.
આ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પાટડી અને ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ડો.શ્યામલાલ રામની હાજરીમાં નાયબ કલેક્ટર રૂતુરાજસિંહ જાદવ, નાયબ મામલતદાર રઘુભાઇ ખાંભલા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, પ્રફુલભાઇ દવે, દિલાભાઇ ઠાકોર, ભરતભાઇ ઠાકોર અને નવઘણભાઇ રબારી સહિતના આગેવાનોએ આ નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લઇ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારી હોસ્પિટલની તૈયારીની સમીક્ષા કરી હતી.
ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતેના નવા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાતે જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ મેરૂભાઇ ખાચર, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ, ભાજપ અગ્રણી નરેશભાઇ મારૂ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને પાટડીમાં નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાતા કોરોનાના વધતા જતા કહેર સામે લોકોએ રાહતનો દમ લીધો હતો.