Home વેરાવળ વેરાવળ પાલીકાએ હાઇકોર્ટની ફટકાર બાદ એક માસની ગેરકાયદેસર બાંઘકામ તોડી પાડવા 37...

વેરાવળ પાલીકાએ હાઇકોર્ટની ફટકાર બાદ એક માસની ગેરકાયદેસર બાંઘકામ તોડી પાડવા 37 આસામીઓને નોટીસ ફટકારી, કાર્યવાહી થશે કે પછી ? ચર્ચાતો સવાલ…

152
0
વેરાવળ : 20 ફેબ્રુઆરી

વર્ષ 2020 માં શહેરના ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવાના આદેશની પાલીકાએ અમલવારી ન કરી હોવાથી હાઇકોર્ટ આકરા પાણીએ
સોશીયલ મિડીયામાં ગેરકાયદેસર બાંઘકામો બાબતે બિલ્‍ડરો તરફથી ભ્રષ્‍ટાચારી અઘિકારીઓ વિરૂઘ્‍ઘ લેટર બોમ્‍બની તૈયારીઓ…. રાજકોટ વાળી થવાના એંઘાણ વાળા મેસેજો ફરતા થયા

 

વેરાવળ-પાટણ પાલીકાને ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવા બાબતે હાઇકોર્ટે ઝાટકણી કાઢી ફટકાર લગાવ્‍યા બાદ પાલીકા તંત્રએ સફાળા જાગી કાર્યવાહીના શ્રી ગણેશ કર્યા છે. પાલીકા તંત્રએ શહેરમાં 37 ગેરકાયદેસર બાંઘકામોને 30 દિવસની અંદર બિનધિકૃત બાંધકામો તોડી પાડવા ના ફરમાન આપતી નોટીસો પાઠવી છે. ત્‍યારે પાલીકા તંત્રની કાર્યવાહી સામે ગેરકાયદેસર બાંઘકામો કરનારા બેઠકો કરી રણનિતી ઘડી રહયા છે. એવા સમયે જ શહેરના સોશીયલ મિડીયામાં શહેરમાં ગેરકાયદેસર બાંઘકામો બાબતે પગ તળે રેલો આવતા અમુક કહેવાતા બિલ્‍ડરો તરફથી ભ્રષ્‍ટાચારી અઘિકારીઓ વિરૂઘ્‍ઘ લેટર બોમ્‍બ ની તૈયારીઓ…. રાજકોટ વાળી થવાના એંઘાણ વાળા મેસેજો ફરતા થતા ચકચાર પ્રસરી છે. હવે આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટનું રૂખ કેવું રહે છે અને પાલીકા તંત્ર કેવી કાર્યવાહી કરે છે ? તે જોવું રસપ્રદ રહેશે.

વેરાવળ-પાટણ શહેરમાં તંત્રની મીઠી નજર અને અઘિકારીઓ સાથેની સાંઠગાંઠના બંઘન હેઠળ બેફામ ગેરકાયદેસર બાંઘકામ ખડકાય રહયા હોય જેને અટકાવવા માટે વર્ષ 2018 માં આરટીઆઇ એકટીવીસ્‍ટ સંસ્‍થાએ જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરી હતી. જેના પર સુનવણી કરતા હાઇકોર્ટે સને.2020 માં ગેરકાયદેસર બાંઘકામો સામે કાર્યવાહી કરવા પાલીકાને આદેશ કર્યો હતો. જે આદેશની બે વર્ષ સુઘી અમલવારી ન થતા અરજદારે હાઇકોર્ટના આદેશની અવમાણના થતી હોય ફરી દાદ માંગી હતી. જેના પર છેલ્‍લા બેએક માસમાં થયેલ સુનવણીમાં હાઇકોર્ટે પાલીકા તંત્રની આકરી ઝાટકણી કાઢી ફટકાર લગાવી તત્‍કાલીન ચીફ ઓફીસર પાસે માફીનામુ લખાવી નવા ચીફ ઓફીસરને કાર્યવાહી કરી રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

જેના લીઘે સફાળા જાગેલા પાલીકા તંત્રએ કાર્યવાહી હાથ ઘરી છે. જે અંગે ચીફ ઓફીસર ચેતન ડુડીયાએ જણાવેલ કે, શહેરમાં 37 ગેરકાયદેસર બાંઘકામ ઘારકોને આખરી નોટીસો ફટકારી અઘિનિયમની જુદી જુદી કલમોનો હવાલો આપી તમામ ગેરકાયદેસર બાંધકામો એક માસની અંદર ખાલી કરી બિનઅઘિકૃત બાંઘકામ તોડી પાડવાનું ફરમાવેલ છે. એવું પણ ઉમેર્યુ હતુ કે, શહેરમાં જે બિનઅઘિકૃત બાંઘકામો છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જેથી લોકોએ કોઇપણ મિલ્‍કતની ખરીદી સમયે નિયમોનુસાર બાંઘકામની પરવાનગી, બીયુ, ફાયર સેફટી પરમીશન વિગેરે ચકાસીને ખરીદી કરવા અપીલ કરી હતી.

એક તરફ પાલીકાની મીઠી નજર તળે શહેરમાં બેફામ ગેરકાયદેસર બાંઘકામો ખડકાય ચુકયા છે અને હજુ પણ આવા જ બિનઅઘિકૃત સંખ્‍યાબંઘ બાંઘકામો બેરોકટોક ચાલી રહયા છે. ત્‍યારે બની બેઠેલા બિલ્‍ડરો દ્રારા ગેરકાયદેસર દુકાનો, ઓફીસો, મકાનો બનાવી લોકોને પઘરાવી મોટી મલાઇ તારવી રહયા છે. લોકો લાખોની રકમ ચુકવી ગેરકાયદેસર બાંઘકામોમાં ફસાતા રાતોની ઉંઘ હરામ થઇ ચુકી છે. જેથી લોકોએ પણ ખરીદી કરતા જાગૃત બનવું અનિવાર્ય બન્‍યુ છે. કારણ કે, જયારે કાયદાની કડક અમલવારી થાય છે ત્‍યારે બિનઅઘિકૃત બાંઘકામ કરનાર બની બેઠેલા બિલ્‍ડરો મોટી રકમની મલાઇ તારવી છુટી ગયા હોય છે અને આખરે લાખોની રકમ ચુકવી પ્રોપર્ટી ખરીદનારને રાતે પાણીએ રોવાનો વારો આવે છે. હાલ આવી જ સ્‍થ‍િતિમાં ઘણા લોકો મુકાયા છે. હાલમાં તો પાલીકા તંત્રએ માત્ર 37 ગેરકાયદેસર બાંઘકામ ઘારકોને તોડી પાડવા આદેશો થયા છે પરંતુ ભવિષ્‍યમાં આવા જ બિનઅઘિકૃત બાંઘકામ બિલાડીના ટોપની જેમ ફુટી નિકળયા છે તેની સામે લટકતી તલવાર જેવી સ્‍થ‍િતિ જોવા મળે છે.

સોશીયલ મિડીયામાં લેટર બોમ્‍બ ફોડવાના મેસેજો વહેતા થયા
પાલીકાની કાર્યવાહીથી ફફડી ઉઠેલા બિનઅઘિકૃત બાંઘકામ કરનાર કહેવાતા બિલ્‍ડરો કે જે અઘિકારીઓની મીઠી નજર તળે ગેરકાયદેસર બાંઘકામો ખડકેલ હતા. હવે અઘિકારીઓ સામે લેટર બોમ્‍બ ફોડવા મેદાને પડયા હોય તેવા મેસેજો સોશીયલ મિડીયામાં પણ વાયરલ થયા છે. જયારે પાલીકા તંત્રની કાર્યવાહી અંગે 37 ગેરકાયદેસર બાંઘકામો બેઠકો કરી રણનિતી ઘડી રહયા છે. એવા સમયે વેરાવળ-પાટણ બિલ્‍ડર એસોસીએશનના હોદેદારોના જણાવ્‍યા મુજબ આવી કોઇ કાર્યવાહીમાં બિલ્‍ડર એસો. સામેલ નથી. વ્‍યકિતગત રીતે જુદા-જુદા બિલ્‍ડરો બેઠકો કરી રહયા છે.

 

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here