સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
કેન્દ્રીય અને કેબિનેટ મંત્રી, પૂર્વ રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય હાજર રહ્યા
લીંબડીમાં 2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર જી.એસ.કુમાર વિદ્યાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિપૂજન અને ગોષ્ઠી સભામાં કેન્દ્રીય અને કેબિનેટ મંત્રી, રાજ્યસભાના પૂર્વ સાંસદ, ધારાસભ્ય સહિતના કાર્યક્રમ હાજર રહ્યા હતા.
લીંબડીમાં 63 વર્ષ પહેલાં સ્થાપના પામેલ કેળવણી મંડળ દ્વારા લીંબડી, શિયાણી અને પાણશીણા ખાતે 11 શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. જી.એસ.કુમાર વિદ્યાલય વર્ષ-2021માં જર્જરિત બની ગઈ હતી. દુર્ઘટના બને તે પહેલા શાળાના બિલ્ડીંગને ઉતારી લેવામાં આવ્યું હતું. 2 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર જી.એસ.કુમાર વિદ્યાલયનું કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ લીંબડી સરસ્વતી વિદ્યાલય ખાતે ગોષ્ઠી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી. લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે એલકેએમની સંસ્થાઓના આચાર્યો, કર્મચારી પરિવાર દ્વારા 50 લાખનું દાન આવ્યું છે. ટ્રસ્ટીઓ, લીંબડી નગરજનો, તાલુકા, જિલ્લાના શ્રેષ્ઠીઓ, ભુતપૂર્વ સ્ટાફ, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે દ્વારા 3.25 કરોડની માતબર રકમ આપી છે. શ્રેષ્ઠીઓ દ્વારા બળ અને હુંફ મળતાં મંડળના પ્રમુખ પ્રવિણભાઈ શાહ, મંત્રી ભરતભાઈ શાહ, ખજાનચી શૈલેષભાઈ મણિયાર સહિતના દ્વારા નવનિર્મિત સંકુલના ભૂમિપૂજન અને શિલાન્યાસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, બેલાબેન વ્યાસ, કૃષ્ણસિંહ રાણા, શંકરભાઈ દલવાડી, બકુલભાઈ ખાખી સહિતના હાજર રહ્યા હતા.