પાટણ: 19 મે
રાધનપુર સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય રઘુ દેસાઈ એ રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે અને સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ સમસ્યા તાકીદે ઉકેલ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પાટણ જિલ્લાના કાયમી પાણીની તંગીની સમસ્યાથી ત્રસ્ત રાધનપુર , સાંતલપુર અને સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની હાલત ભર ઉનાળે કફોડી બની છે . સરકાર દ્વારા ‘ નલ સે જલ ’ યોજના અમલી બનાવી તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ આ ત્રણ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે ને ઉનાળામાં તો પુરતા પ્રમાણમાં પાણી મળતું પણ નથી. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે , રાધનપુર , સાંતલપુર , સમી અને ચોરાડ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે . ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે અને ટેન્કરોના ભરોશે કયારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઇ બેસી રહે છે . જે પણ અનિયમિત રીતે આવે છે . ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરો દ્વારા પહોંચાડાતું પાણી પણ પુરતા પ્રમાણમાં મળતું નથી.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગીમાં મોંઘભાવ ના પાણીના ટેન્કરો પોસાય તેમ નથી.માટેજે જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇનો ચોકઅપ બની છે તેને રીપેરીંગ કરી તાત્કાલિક ચાલુ કરવી જોઇએ . સરકાર દ્વારા પીવાના પાણીની આ સમસ્યા તાત્કાલિક દુર કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે