પાટણ : 4 માર્ચ
પાટણ શહેર ભાજપ દ્વારા આજે ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલની આગેવાનીમાં યુક્રેનથી સંઘર્ષ ખેડીને હેમખેમ પાટણ ખાતે તેમનાં ઘરે આવી પહોંચેલા સાત જેટલા વિદ્યાર્થીઓનાં નિવાસસ્થાને જઇને તેઓનાં પરિવારને મળીને જે તે છાત્રોનું સ્વાગત કરીને તેમને સુખરુપ પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા ને તેમની વ્યથા કથાઓ જાણી હતી અને તેમને કેન્દ્ર અને રાજ્યની સરકાર છાત્રો માટે ભરચક પ્રયાસો કરી ભારત લાવી રહી છે . તેમ જણાવ્યું હતું . આજે જે છ વિદ્યાર્થીઓ અને તેમનાં પરિવારોની ભાજપનાં નેતાકાર્યકરોએ મુલાકાત લીધી તે તમામ છાત્રો અને તેમનાં વાલીઓનો સુર લગભગ એક જ હતો કે , મોદી સરકારે છાત્રોને બચાવી લઇને અમારા બાળકોને અમારા ખોળામાં પાછા મોકલી આપ્યા છે . જયારે બીજા દેશોનાં લોકો યુક્રેનમાં રખડી પડ્યા છે ત્યારે ભારત સરકારે દેશનાં છાત્રોને સુખરૃપ તેમનાં માતા – પિતા – પરિવારને પરત સોંપ્યા છે.
પાટણ શહેર ભાજપનાં કાર્યકરો – નગરસેવકોએ આજે યુક્રેનથી પરત પાટણ આવેલા છાત્રો પૈકી છ ને રુબરુ મળીને તેમની ક્ષેમકુશળતા વાંચ્છી હતી . ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે તમામ છાત્રોને શાલ ઓઢાડી તથા પેંડા ખવડાવીને તેમની ખબર અંતર પુછી હતી અને તેમનાં લાયક કોઇપણ કામગીરી હોય તો જણાવવાનો વિશ્વાસ આપ્યો હતો . આજે તેઓએ પાટણનાં ચાણસ્મા હાઇવે ઉપર લીલીવાડી પાસે આવેલા શુભમ બંગ્લોઝ સોસાયટીમાં રહેતો વૈદિક જગદીશભાઇ રાણાનાં ઘરે ગયા હતા . જ્યાં વૈદિકની માતા નિર્મળાબેન રાણા અત્યંત ભાવુક બની ગઇ હતી . તેમણે કહ્યું કે , મોદી સરકારે અમને અમારા ખોળાનો ખુંદનાર પાછો લાવી આપ્યો છે . ભલુ થજો મોદી સાહેબનું … આ પ્રસંગે વૈદિકે પોતાની વ્યથા કથા જણાવતાં કહ્યું કે , અમે યુક્રેનથી તા . ૨૪ મીએ માંડ માંડ બચીને ૫૦ કિ.મી. ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા રસ્તામાં ત્યાંની આર્મીએ બધાને મારઝુડ કરી હતી છતાં અમે હિંમત સાથે તમામ છાત્રો પોલેન્ડની બોર્ડર ક્રોસ કરી હતી .
આ પ્રસંગે પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિાતબેન પટેલ , પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી , જયેશભાઇ પટેલ , જીતુભાઇ પટેલ , ઉદયભાઇ પટેલ , ગૌરવભાઇ મોદી , ભાવેશ પટેલ તથા પરિવારજનો તથા સુધરાઇ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા