Home નડીયાદ ભૂમેલમાં સગા પુત્ર દ્વારા વિધવા માતા સાથે ૪૮.૦૯ લાખની ઠગાઈ કરતા ફરિયાદ…

ભૂમેલમાં સગા પુત્ર દ્વારા વિધવા માતા સાથે ૪૮.૦૯ લાખની ઠગાઈ કરતા ફરિયાદ…

110
0
ખેડા : ૮ જાઆન્યુરી

નડિયાદના ભુમેલમાં રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થયેલ જમીનના રૃપિયા ૪૮.૦૯ લાખ વિધવા માતાને ન ચૂકવી પુત્રે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ભુમેલ ગામે રહેતા ૪૨ વર્ષિય કલ્પનાબેન શીરીલભાઈ મેકવાન (ખ્રિસ્તી) પોતાની માતા મરીયમબેન સાથે રહે છે. શીરીલભાઈનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું. જે બાદ કલ્પનાબેન પોતાની વિધવા માતા સાથે રહે છે. શીરીલભાઈને એક પુત્ર કમલેશ છે જેઓ પોતાની પત્ની પારૃલબેન સાથે શીરીલભાઈના ઘરના ઉપરના માળે રહે છે.

શીરીલભાઈની જમીન ભુમેલ ગામે સર્વે નં. ૧૫૬માં આશરે ૪૮ ગૂંઠા આવેલ છે. આ ૪૮ ગૂંઠા પૈકી ૨૪ ગૂંઠા જમીન સરકારના રેલ પ્રોજેક્ટમાં કપાત થતી હતી. જે મામલે સરકાર તરફથી જમીન સંપાદનની પ્રક્રિયા સમયે કમલેશે પોતાની માતા મરીયમબેન અને બહેન કલ્પનાબેનનો પાવર ઓફ એટર્ની મેળવ્યો હતો. સરકાર તરફથી કુલ રૃપિયા ૭૨ લાખ ૧૪ હજાર ૧૫૩ ધારા ધોરણ પ્રમાણે અલગ અલગ તારીખોમાં કમલેશના ખાતામાં ચૂકવણી કરાઈ હતી. આ રકમના અડધા હકદાર મરીયમબેન છે. કુલ રકમ પૈકી ૪૮,૦૯,૪૩૬ મરીયમબેનના ભાગે આવે છે. જે રકમની વિધવા માતા અને બહેન માંગણી કરતાં હતા પરંતુ પુત્ર કમલેશ અને તેની પત્ની પારૃલબેન આ રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં હતા. ખોટા ખોટા વાયદાઓ કરતો હતો. ગત ૨૫મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં કમલેશ અને તેની પત્ની પારૃલબેન ઉંમરલાયક મરીયમબેનને મારવા સામુ થઈ ગયા હતા. અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે જે તે સમયે ચકલાસી પોલીસ મથકે કલ્પનાબેને અરજી કરી હતી. જે સંદર્ભે પોલીસે બન્ને પક્ષોને બોલાવી સમાધાન કરાવતા કમલેશ તે સમયે ભાગે પડતા નાણાં ચૂકવી આપવા જણાવ્યું હતું. આથી કલ્પનાબેન આ સમયે કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. પરંતુ આમ છતાં પણ કમલેશને નાણાં આપવાની દાનત સારી નહોતી અને તેથી જ તે જ્યારે કલ્પનાબેન કે મરીયમબેનને માંગે ત્યારે નાણાં વપરાઈ ગયા છે તેમ જણાવી ગમેતેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં કલ્પનાબેન પોતાની વિધવા માતાને ન્યાય અપાવવા પોતાના ભાઈ કમલેશ મેકવાન અને ભાભી પારૃલબેન મેકવાન સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here