ભાવનગર : 16 ફેબ્રુઆરી
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર જાંબાજ પોલીસ કોન્સ્ટેબલ ચોરીના આરોપીને પકડી લાવી રહ્યાં હતાં, તે દરમિયાન રાજસ્થાનના શાહપુર પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં શહિદ થયાં હતાં. જેના પગલે પોલીસ બેડામાં ભારે શોકની લાગણી જન્મી હતી. આ ચારેય કોન્સ્ટેબલના પાર્થીવ દેહને ભાવનગર લાવવા ખાસ પ્લેનની વ્યવસ્થા કરી લાવવામાં આવ્યાં હતાં. જ્યાં શહીદોને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના ચાર કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, મનસુખ બાલધિયા, ઇરફાન આગવાન અને ભીખુભાઈ બુકેરને ચોરીના આરોપીને પકડવાની જવાબદારી સોંપી જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર દિલ્હી મોકલવામાં આવ્યાં હતાં. તેઓ આરોપીને પકડી ભાવનગર પરત આવવા ફોર્ચ્યુનર ગાડીમાં નીકળ્યાં હતાં. દરમિયાનમાં રાજસ્થાનના જયપુરના શાહપુર જિલ્લાના ભાભરૂ પોલીસ મથકની હદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય કોન્સ્ટેબલ શહિદ થયાં હતાં, સાથોસાથ ચોરીના આરોપીનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પોલીસ વડામાં શોકની લાગણી જન્મી હતી. ચારેય કોન્સ્ટેબલના પાર્થીવ દેહને ભાવનગર લાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના પગલે મંગળવારની મોડી રાત્રિના 3 પ્લેનમાં ચારેયના પાર્થીવ દેહને ભાવનગર લાવવામાં આવ્યાં હતાં. જ્યાં પુરા સન્માન સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યાં હતાં. આ દુઃખદ બનાવને પગલે ડીજીપી આશિષ ભાટિયા પણ ભાવનગર આવી પહોંચ્યાં હતાં અને શહિદોને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથોસાથ એસપી, એએસપી, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોએ પણ શદ્ધાંજલિ પાઠવી હતી. ભાવનગર શહેરમાં મોટી સંખ્યામાં લોકો આ બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા જોડાયા હતા. બાદ તમામ શહીદોને અંતિમ વિધિ માટે તેમના ઘરે લઇ જવાયા હતા.
શહીદોના પરિવારને તાત્કાલિક અઢી લાખના ચેક અર્પણ કરવામાં આવ્યાં (બોકસ)
ભાવનગરના ભરતનગર પોલીસ મથકના ચાર પોલીસ કોન્સ્ટેબલ ચોરીના આરોપીને પકડી પરત ફરી રહ્યાં હતાં. તે સમયે માર્ગ અકસ્માતમાં તેઓ શહીદ થયાં હતાં. આ અંગે ડીજીપી, આઈજી, એસપી સહિત પોલીસ અધિકારીઓએ શોક વ્યક્ત કર્યો હતો. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ શહીદ જવાનોના પરિવારને તાત્કાલિક સહાય પેટે રૂ. અઢી લાખના ચેક અર્પણ કર્યા હતાં. આ ઉપરાંત સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મળવાપાત્ર સહાય ની જાહેરાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી દ્વારા દરેક ને 4-4 લાખની સહાય જાહેર, હેડ કોન્સ્ટેબલ મનસુખ કાબાભાઈ બાલધિયાને ઇન્સ્યોરન્સ સહિત 1 કરોડ 35 લાખ, જ્યારે બાકીના ત્રણે કોન્સ્ટેબલ ને 55 લાખ, 10-10 લાખ પોલીસ વેલ્ફેર ફંડ માંથી, તેમજ 10-10 લાખ સેન્ટ્રલ વેલ્ફેર ફંડમાંથી આપવાની જાહેરાત ડીજીપી આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી છે.