Home સુરેન્દ્રનગર પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક...

પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું 

168
0
સુરેન્દ્રનગર : 29 એપ્રિલ

હાલમાં ઉનાળુ સિઝનમાં પીવાના પાણીની અછત ઉભી થયેલ હોઇ, સરકારની સૂચના અનુસાર બ્રહ્માણી-૨ ડેમ પીવાના પાણી માટે નર્મદા કેનાલ દ્વારા ભરવાનું આયોજન થતાં તા.૨૫/૦૪/૨૦૨૨ થી ધ્રાંગધ્રા શાખા નહેરમાં પાણી છોડવામાં આવેલ છે. પીવાના પાણીનો વેડફાટ ન થાય તથા પાણી ચોરી અટકાવવા માટે ધ્રાંગધ્રા શાખા નહેરની  લાઇનદોરીમાં આવતા ગામોનું પાણી ચોરી ન થાય તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ નહેર દ્વારા પીવાનું પાણી પહોંચાડવા તથા પાણીના વહન દરમિયાન ઘણી જગ્યાએથી ખેડૂતો દ્વારા/કેટલાક ઇસમો દ્વારા અનઅધિકૃત રીતે મશીનો/બકનળી/સબમર્સીબલ પંપ દ્વારા પાણીનો ઉપાડ/ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો નહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર પહોંચી શકતો નથી. આ સંજોગોમાં નિગમના સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ સહાય/મદદ દ્વારા મોનીટરીંગ અને કોમ્બીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ત્યારે પરિસ્થિતિ ક્ષણિક સુધરતી જણાય છે પરંતુ કાયમી ધોરણે પાણીની અનઅધિકૃત રીતે થતી ચોરી અટકાવી શકાતી નથી જે દરખાસ્ત મુજબ ધ્રાંગધ્રા શાખા નહેરના વિસ્તારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(એમ) હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવે તો પાણીની થતી ચોરી અટકાવી શકાય તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર કૂલ-૭૪.૩૧૦ કિ.મી. લાંબી નહેરમાંથી વહન થતાં પાણીનો અનઅધિકૃત ઉપાડ/ઉપયોગ અટકાવી શકાય તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઊભી કરી પાણીની વિતરણ વ્યવસ્થા ઉપર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્યો થતાં અટકાવી શકાય તે માટે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બાળા અને અણીન્દ્રા ગામ, લખતર તાલુકાના બજરંગપુરા, વણા, ધણાદ, પેઢડા ગામ, ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ગાળા, રાજગઢ, હીરાપુર, ઇસદ્રા, ધ્રાંગધ્રા, રાજપર, હરીપર, જુના ઘનશ્યામગઢ,બાઈસાબગઢ, પીપળા, કંકાવટી, ગોપાલગઢ કૂલ ૧૯ ગામોમાંથી પસાર થતી નર્મદા ધ્રાંગધ્રા શાખા નહેર વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા મનાઈ ફરમાવી છે.

જિલ્લાના ઉક્ત તાલુકાની નહેરમાંથી પીવાના પાણીની બલ્ક પાઇપલાઇન/ પીવાના પાણીની વિતરણ પાઇપલાઇન માંથી કોઈ વ્યક્તિ કે સંસ્થાએ બીન અધિકૃત રીતે ઇલેક્ટ્રિક મોટર/પંપ સેટ/ ટેન્કર દ્વારા/બકનળીઓ દ્વારા/અન્ય કોઈ સાધનો દ્વારા પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહીં તેમજ કેનાલ/પાઇપલાઇન તોડી પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહીં.
જિલ્લાના ઉક્ત તાલુકાની નહેરની નિયત હદથી ૫૦૦ મીટરની ત્રિજ્યામાં નવા બોર કરવા નહીં કે કરાવવા નહીં તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ,સબમર્સીબલ પંપ મૂકવા નહીં કે કોઈપણ રીતે જમીન માંથી પાણી ખેંચવું નહીં અને પસાર થતી નહેર/કેનાલો/પાઇપલાઈનો સાથે ચેડા કરવા નહીં કે તોડવી નહીં.

જિલ્લાના ઉક્ત તાલુકાની નહેરના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા, ડીપવેલ, સબમર્સીબલ પંપનું પાણી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા એ જિલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરની પરવાનગી વગર વેચાણ કરી શકશે નહીં કે કરવી શકશે નહીં.
જિલ્લાના ઉક્ત તાલુકાની નહેર જેમાં સરકારશ્રી દ્વારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ હોય તેવા જળાશયમાં સબમર્સીબલ પંપ/ડીઝલ પંપ/બકનળી/અન્ય કોઈ રીતે પાણી વાળી જળાશય માંથી પાણી ખેતીમાં ઉપયોગ કરવો નહીં.
સુરેન્દ્રનગર જિલ્લાના ઉક્ત તાલુકાની નર્મદા નહેર તેમજ તેની પાઇપલાઇન માંથી પીવાના પાણીની તાકીદની મુશ્કેલી કે અનિવાર્ય કારણોસર અથવા અન્ય ખાસ સંજોગોમાં સરકાર /કલેકટર/જિલ્લા વિકાસ અધિકારી/કાર્યપાલક ઈજનેરશ્રી(ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ), સુરેન્દ્રનગર/સીનીયર મેનેજર , જી.ડબલ્યુ. આઈ.એલ., ધ્રાંગધ્રા કે અન્ય કોઈ સત્તા અધિકારી દ્વારા પાણી માટે મંજુરી આપવામાં આવતી હોય તેવા જાહેરસેવકો અને ટેન્કરો કે પાણી પુરવઠાનું વિતરણ કરતાં કોઈપણ અધિકૃત ધારણકર્તા ઈસમો કે ચાલકોને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. સંબંધિત વિસ્તારમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા અધિકારી ઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લાના કુલ-૧૯ પ્રતિબંધિત ગામોમાં જાહેરનામાની તારીખ ૨૮-૦૪-૨૦૨૨ થી ૬૦ દિવસ સુધીના સમયગાળા દરમ્યાન અમલમાં રહેશે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here