Home સુરેન્દ્રનગર પાટડી અને ધામા શક્તિધામમાં 45 ડીગ્રીની ગરમીમાં એક લાખથી વધુ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર...

પાટડી અને ધામા શક્તિધામમાં 45 ડીગ્રીની ગરમીમાં એક લાખથી વધુ શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઊમટ્યું

171
0
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ

શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા. સુવર્ણકાળમાં વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતું.

પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં. 1171 ચૈત્ર વદ 13ન‍ા દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતાં.ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હ‍ાથમ‍ાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જતા હોવાથી આજે વહેલી સવારથી જ શક્તિધામ પાટડી અને ધામામાં એક લાખથી પણ વધારે ઝાલાવાડ ક્ષત્રીય સમાજના શ્રધ્ધાળુઓનું ઘોડાપુર હવનનો લાભ લેવા અને માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા પાટડી તાલુકા ઝાલાવાડ ક્ષત્રીય સમાજના જયવિરસિંહ ઝાલા, ઝીંઝુવાડાના સુરૂભા ઝાલા અને પાટડીના વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટડીમાં શ્રધ્ધાળુઓ માટે જમવાની અને રસ્તામાં ઠેર ઠેર ઠંડા પીણા અને રસબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝાલાવાડ ક્ષત્રીય સમાજના યુવાનો દ્વારા પાટડી અને ધામામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની સુંદર કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

અમરેલીનો યુવાન ગોલાની લારી સાથે 10 દિવસે બાધા પુરી કરવા પાટડી શક્તિમાતા મંદિરે પહોંચ્યો

અમરેલીના ચાડીયા ગામનો ધનસુખ ભીખાભાઇ મકવાણા પાટડીના ઐતિહાસિક શક્તિમાતા મંદિરે બાધા પુરી કરવા અમરેલીથી નીકળ્યો હતો. અને 10 દિવસ રસ્તામાં ધંધો કરતા કરતા પાટડી શક્તિમાતાના મંદિરે બાધા પુરી કરવાની સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here