Home સુરેન્દ્રનગર તરણેતરના લોકમેળાનો આજથી ભવ્ય શુભારંભ

તરણેતરના લોકમેળાનો આજથી ભવ્ય શુભારંભ

125
0

સુરેન્દ્રનગર: 31 ઓગસ્ટ


આ લોકમેળો લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી, કલાના પ્રદર્શનનું, હળવા-મળવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે

તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી મેળાના મૂળ સ્વરૂપને જાળવી રાખી વધુ સુવિધાઓ ઉભી કરવામાં સફળતા મળી છે.મંત્રી શ્રી કિરીટસિંહ રાણા

મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવાનો સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કેબિનેટ મંત્રીશ્રીની અપીલ

તરણેતર છત્રી સાથે રાસ મંડળી દ્વારા રાસની રમઝટે રંગત જમાવી

કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમે ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી તરણેતરના લોકમેળાને ખુલ્લો મુકયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વિરાસતનો સમૃદ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ – વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે અને આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવની પૂજાનું પૌરાણિક મહત્વ રહેલું છે ત્યારે મેળાના શુભારંભ પૂર્વે ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજનની તક મળવા બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો અને ભગવાન મહાદેવને ગુજરાત-દેશના સર્વ નાગરિકોના નિરામય આરોગ્ય, કલ્યાણ અને પ્રગતિ- સુખ માટે પ્રાર્થના કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી મેળાના સ્વરૂપને જાળવી રાખી મેળામાં સુવિધાઓનો વિકાસ કરવામાં સફળતા મળી છે. વડાપ્રધાનશ્રીએ મેળાના વિકાસ માટે ગ્રામીણ રમતોત્સવ અને પશુ પ્રદર્શન સહિતની પહેલો કરાવી મેળાની પ્રસિદ્ધિને એક નવા સ્તરે પહોંચાડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ” સૌનો સાથ, સૌનો વિકાસ” આ સૂત્રને તરણેતરના મેળા સાથે જોડતા જણાવ્યું હતું કે, “આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે.મેળો સૌનો છે માટે બધા લોકોએ મેળાની મુલાકાત લેવી જોઈએ તેમ જણાવતા મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવાનો સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ કેબિનેટ મંત્રીશ્રીએ સૌ મુલાકાતીઓને અપીલ કરી હતી.
તરણેતરના આ લોકમેળામાં મંત્રીશ્રીએ મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલમ્પિકના ખેલાડીઓને સ્પર્ધાઓ માટે શુભેરછાઓ પાઠવી હતી. કોરોના કારણે ત્રણ વર્ષ બાદ યોજાયેલ તરણેતર મેળાના સુંદર આયોજન માટે તરણેતર ગ્રામ પંચાયત તથા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં, મેળાના ઉદઘાટન કાર્યક્રમમાં સ્વાગત કરતા કલેકટર શ્રી કે.સી. સંપટે મેળામાં શાંતિ તથા સ્વરછતા જળવાઈ રહે તે માટે લોકોને સાથ સહકાર આપવા જણાવ્યું હતું. આભાર વિધિ તરણેતર સરપંચ અશોકસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી. વિશેષમાં કાર્યક્રમની શરૂઆતમાં ભાતીગળ તરણેતર છત્રી સાથે રાસ મંડળી દ્વારા રાસની રમઝટ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે થાનગઢ તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાનાભાઈ, ચોટીલા નગરપાલિકા પ્રમુખશ્રી જયદીપભાઈ, તરણેતર સરપંચશ્રી અશોકસિંહ રાણા,અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, હામાભાઈ રબારી, રમેશભાઈ સોલંકી, પ્રભાતભાઈ ખાચર, વિજયભાઈ ભગત, હેમુભાઈ સહિતના પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here