કચ્છ : 7 માર્ચ
બોટલ, સ્ટ્રો વગેરે જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ ઘટાડવા માટે નાની વયથી જ બાળકોમાં જાગૃતિ આવે એ માટે ભુજ તાલુકાની પ્રાથમિક શાળાઓ સાથે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સોલારિસ કેમટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સામાજિક દાયિત્વ એટલે કે સીએસઆર વિભાગનાં નેજાં હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં ભુજ તાલુકાના બન્ની વિસ્તારની સિનિયાડો અને ગોરેવલી ગામની પ્રાથમિક શાળાઓનાં બાળકો સાથે, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ વિષય ઉપર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. બંને શાળાઓમાં કુલ ૫૩ બાળકોએ ભાગ લીધો હતો.
સિંગલ યુઝ પ્લાસ્ટિક – એમાં પણ ખાસ પ્લાસ્ટિક ઝભલાંની ખરાબ અસરો સમજવી અને તેના વિવિધ વિકલ્પ શોધવા જેવા મુદ્દાઓ ઉપર મોડલ, નિબંધ, ચિત્ર વગેરે માધ્યમોથી બાળકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન આયોજિત થનારા આવા કાર્યક્રમોની ફળશ્રુતિરુપે શાળા પ્લાસ્ટિકમુક્ત બને એવું આયોજન છે.
બંને શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોનો સહયોગ મળ્યો હતો. સિનિયાડો અને ગોરેવલી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.