આણંદ.
આણંદ અમુલ ડેરીમાં સત્તાના રાજકારણમાં વિકાસ કામને પણ અસર પહોંચી છે. ડેરીના સભાસદ મંડળી દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવાની માગણી કરતાં 26મીને શનિવારના આયોજન કરાયું હતું. પરંતુ બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના આદેશના પગલે આ સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આ ખાસ સાધારણ સભામાં દૂધની વધતી આવક સામે તેની વ્યવસ્થા કરવા જરૂરી સાધનો ઉભા કરવા નિર્ણય લેવાનાર હતો. જે હવે લટકી ગયો છે.
આણંદ અમુલમાં શનિવારના રોજ મળનારી ખાસ સાધારણ સભા બોર્ડ ઓફ નોમીનીઝના આદેશના પગલે મોકૂફ રાખવામાં આવી છે. જેને લઇ મંડળીઓમાંથી સવારથી લઇ ઘણા ફોન આવવા લાગ્યાં હતાં. આ મંડળીઓમાં છેલ્લા ઘણા સમયથી બીએમસીની ક્ષમતા વધારવા તેમજ વધારાના દૂધને મેનેજ કરવા બાબતે ચર્ચા કરવાની હતી.
આણંદ અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, હાલની પરીસ્થિતિ જોતા અમુલ ડેરીના વિકાસના કામો અટકી ગયા છે. છેલ્લા દોઢ વર્ષથી નિયામક મંડળની નિયુક્તિ થઇ નથી. સંઘમાં આજે 35 લાખ લીટર દૂધ પ્રતિદિન આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાંથી સંપાદિત કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય બહાર 10 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે. આમ કુલ 50 લાખ લીટર દૂધ પ્રતિદિન સંપાદન કરવામાં આવે છે. સંઘની દૂધ પ્રોસેસિંગ ક્ષમતા કરતાં વધુ દૂધની આવક થવાથી હાલ 10 લાખ લીટર દૂધ પ્રતિદિન બહાર મોકલી પાવડર બનાવડાવવામાં આવે છે. બજાર માંગને ધ્યાનમાં લઇ જીસીએમએમએફ દ્વારા ચીઝ અને ચોકલેટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવા માટે જણાવ્યું છે.
મહત્વનું છે, કે આથી યોગ્ય સમયે નિર્ણય લેવો જરૂરી છે, જો યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષ દરમિયાન મિલ્ક હોલી ડે રાખવાનો સમય આવી શકે છે. સંઘના સાત લાખ જેટલા દૂધ ઉત્પાદકોની રોજી રોટી પશુપાલનના ધંધા પર નભેલી છે. દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે વળતર ચુકવવાનું હોય છે, પરંતુ ખાસ સાધારણ સભા મુલત્વી રાખવાથી એજન્ડાનો નિકાલ ન થતાં, હવે તે અનિશ્ચિત છે. જેથી દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે મળનારા વળતરમાં વિલંબ થઇ શકે છે અને તેની માઠી અસર અમુલ ડેરી તેમજ દૂધ ઉત્પાદકોને થશે. ખાસ સાધારણ સબા મુલત્વી રાખવા જેવા નિર્ણય જોતા લાગે છે કે દૂધ ઉત્પાદકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. સાથે સાથે અમૂલે 75 વર્ષની લાંબી યશસ્વી મજલ થકી ડેરી ઉદ્યોગમાં ઉચ્ચ વિકાસ, ગુણવત્તા તથા ઉત્પાદનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જે હાલ ખરાબ થઇ રહ્યું છે.