સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ
4 સહ કેદીએ આરોપીને ભગાડ્યો ત્યારે જેલ અંદર-બહાર 2 કોન્સ્ટેબલ, વોર્ડન અને જેલર ફરજ પર હાજર હતા
લીંબડીની જેલમાંથી ખૂન કેસમાં સંડોવાયેલો આરોપી 2 મહિનાના ગાળામાં બીજીવાર ભાગી છૂટતા જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રવિવારે સવારે 4 સહ કેદીઓની મદદથી જેલની 15 ફૂટની દિવાલ ફાંદીને કાંટાળા તારની ફેન્સિંગ વચ્ચેથી આરોપી ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી હતી. ઉગતા દિ’એ ફરજ પર જેલ ગાર્ડની હાજરીમાં કેદી ભાગી છૂટતા પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
લીંબડી તાલુકાના રળોલ ગામે તા.7 જાન્યુઆરીએ દિનેશ ગફૂરભાઈ સાપરાને ધારિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેનાર બાબુ ઉર્ફે બાબુડીયો ટપુ પરમાર લીંબડી જેલના બેરકમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. રવિવારે સવારે 9:45 કલાકે 4 સહ કેદી ખંભે ચડીને 15 ફૂટની દિવાલ ફાંદીને કાંટાળા તારની ફેન્સિંગ વચ્ચેથી બાબુ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા મામલતદાર પી.જે.દેસાઈ સબજેલે દોડી આવ્યા હતા. આરોપીને ભગાડનાર સહ કેદીઓની પુછપરછ હાથ ધરી હતી. ડીવાયએસપી સી.પી.મુંધવાએ જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
જેલમાંથી ભગાડનાર સહ કેદીઓને માવા(મસાલા)ની લાલચ અપાઈ
બાબુ ઉર્ફે બાબુડીયો પરમારને જેલમાંથી ભગાડનાર દિલાવર ધીરૂભાઈ જીલીયા, હરેશ રામજી ચાવડા, પ્રકાશ જેરામ ચાવડા અને સન્ની ચંદુ ભોજીયાએ જણાવ્યું હતું કે તે જેલ બહાર જઈ અમને માવા(મસાલા) મોકલવાનો વાયદો કર્યો હતો. એટલે અમે તેને ખંભો આપી જેલથી ભગાડવા મદદ કરી હતી.
જેલની દિવાલ ઉંચી કરી સીસીટીવી કેમેરા મૂકવા 2 વર્ષ પહેલા માગ કરાઈ છે
લીંબડી જેલની દિવાલ ફક્ત 15 ફૂટની જ ઉંચી છે. જેના કારણે 2થી 3 કેદીના ખંભે ચડી આરોપીઓ દિવાલ ઠેકી ભાગી જાય છે. 2020માં લીંબડી જેલની દિવાલ ઊંચી કરવા અથવા લોખંડની મજબૂત ફેન્સિંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે જ નાઈટ વિઝન કેમેરા આપવાની માગ કરવામાં આવી છે. રજૂઆતને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છતાંય માંગ સ્વિકારાય નથી.
35 કેદીઓની ક્ષમતા ધરાવતી લીંબડી જેલના 72 કેદી ઠૂસ્સી દેવાયાં છે
35 કેદીઓની ક્ષમતા ધરાવતી લીંબડી સબ જેલના 5 બેરેકમાં 72 કેદી ઠૂસ્સી દેવાયાં છે. લીંબડીનુ સબજેલમાં કેદીઓની હાલત શું હશે તે આંકડા પરથી જ ખબર પડે છે. બે માસ પહેલાં તા.15 જૂને આરોપી બાબુ ટપુભાઈ પરમાર 2 સહ કેદીઓના ખભાનો ટેકો લઈ લીંબડી જેલમાંથી ભાગી ગયો હતો.
ફરજ પર બેદરકારી દાખવનારા કર્મીઓ સામે શું પગલાં લેવાશે તેના પર સૌની નજર
સવારે 9:45 કલાકે કેદી 15 ફૂટની દિવાલ કૂદીને ભાગ્યો ત્યારે લીંબડી સબ જેલની અંદર દિલીપ રાઘવજીભાઈ સિલુ, ગેટ પર વિનોદ ભગવાનભાઈ સોલંકી, વોર્ડન રજની વાલજીભાઈ મકવાણા, જેલર નિખિલ ત્રિવેદી ફરજ પર હાજર હતા. ફરજ પરના કર્મીઓની ઘોર બેદરકારી સામે આવી છે. ફરજ પર બેદરકારી દાખવનાર કર્મીઓ સામે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.