સુરેન્દ્રનગર: 5 મે
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામે કળિયુગ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. રાણાગઢ ગામે રહેતા માવજીભાઈ ધમાભાઈ દેવથળા ફળોનો વ્યાપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માવજીભાઈ ગામના પઢારના ચોરા પાસે ફ્રૂટની લારી લઈ ઊભા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર બળદેવ તેની પત્ની જાગુબેન સાથે ઝઘડો કરી રહ્યો છે. આ સાંભળી માવજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. ઘરે પહોંચ્યા તો માવજીભાઈના પત્ની કંકુબેને જણાવ્યું હતું કે બળદેવ ઝઘડો કરતા તેની પત્ની જાગુ પિયર ચાલી ગઈ છે.
માતા-પિતાએ પુત્ર બળદેવને વહુ સાથે ઝઘડો નહીં કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાંભળી બળદેવ ઉશ્કેરાઈ ગયો હતો. માતા-પિતાને અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બળદેવે નજીકમાં પડેલા લોખંડના સળિયા વડે કંકુબેનને માથામાં ઘા ઝીંકી દીધો હતો. પત્ની કંકુબેનને લોહી લુહાણ હાલતમાં જોઈને વધુ મારથી બચાવવા માવજીભાઈ દોડી આવ્યા હતા. પત્નીને સારવાર માટે લઈ જતા હતા ત્યારે તેમના નાના પુત્ર શ્રવણે પિતાને પકડી રાખ્યા હતા. શ્રવણે પિતાને ધમકી આપી હતી કે અહીં જ ઊભા રહેજો નહીંતર તમને પણ જાનથી મારી નાંખવા પડશે. એનકેન પ્રકારે કુ-પુત્રોથી બચીને માતા-પિતા ઘરથી બહાર નીકળી ગયા હતા. પત્ની કંકુબેનને ગામના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવી માવજીભાઈએ કળિયુગના બન્ને કપાતરો બળદેવ દેવથળા અને શ્રવણ દેવથળા સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.