Home જુનાગઢ ગિરનારમાં 130 કરોડના ખર્ચે બનેલા રોપવેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક થઇ,...

ગિરનારમાં 130 કરોડના ખર્ચે બનેલા રોપવેમાં દોઢ વર્ષમાં 56 કરોડની આવક થઇ, હવે રોપવે કેબિન સંગીતમય બનશે.

157
0

જૂનાગઢ: 17 મે


ગિરનાર રોપવે પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. ઓક્ટોબર 2020માં લોકો માટે ખુલ્લા મુકાયેલા આ પ્રોજેક્ટનો અત્યાર સુધી 11 લાખ લોકો લાભ લઇ ચૂક્યા છે. તેના લીધે કુલ રૂ. 56 કરોડની આવક થઇ છે. આ વર્ષે છેલ્લા ત્રણ મહિનામાં પ્રવાસીઓની સંખ્યા અને આવકમા પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ફેબ્રુઆરી 2022માં કુલ 59,188 પ્રવાસીઓએ રોપવેની સેવા માણી હતી જે માર્ચમાં વધીને 77,796 થઇ ગઇ છે. આવકની દ્રષ્ટિએ પણ ફેબ્રુઆરી 2022 (3.1 કરોડ)ની સરખામણીએ માર્ચમાં (4.03 કરોડ) એક કરોડનો વધારો જોવા મળ્યો છે. 2320 મીટર લાંબા અને 898.4 મીટર ઉંચા રોપવેમાં અત્યારે દૈનિક સરેરાશ 551 ટ્રીપ મારવામા આવી રહી છે.

પ્રવાસીઓના આનંદમાં વધારો થાય તે હેતુથી સરકાર ટૂંક સમયમાં રોપવે કેબિનને સંગીતમય બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. તેના માટે હેરિટેજ ટુરિઝમ પોલિસીથી લઇને મેડિકલ ટુરિઝમ જેવા આધુનિક વિષયો સાથે પણ સરકારે નીતિ જાહેર કરી છે. પ્રવાસીઓની સુખાકારીની સાથે સાથે આ ક્ષેત્રમાં રોજગારીની તકોનું નિર્માણ તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિષ્ઠા અપાવવા માટે સરકાર અલગ અલગ સ્તરે કામ કરી રહી છે.

ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર આલોકકુમાર પાંડેએ આ બાબતે જણાવ્યું કે, “ગિરનાર એ ગુજરાતનું આધ્યાત્મિક ગૌરવ છે અને દેશ વિદેશથી અહીં પ્રવાસીઓ આવે છે. તેમની સુવિધા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે અને રોપવે પ્રોજેક્ટના લીધે પ્રવાસીઓ માટે મા અંબેના દર્શન કરવા અત્યંત સુલભ બની ગયા છે. પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે અને રોપવેની સુવિધાથી પર્વતના 10000 પગથિયા ચડ્યા વગર મિનિટોમાં માતાજીના મંદિર સુધી પહોંચી જવાય છે. સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે અને આવકમાં પણ માત્ર એક મહિનામાં એક કરોડ જેટલો વધારો થયો છે જે આ પ્રોજેક્ટની સફળતા દર્શાવે છે. ”

અહેવાલ: પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here