Home તારાપુર તારાપુર : વૃધ્ધ વેપારીની મર્ડર મીસ્ટ્રી ઉકેલાઈ, ગે યુવકે હત્યા કર્યાનો ઘટસ્ફોટ

તારાપુર : વૃધ્ધ વેપારીની મર્ડર મીસ્ટ્રી ઉકેલાઈ, ગે યુવકે હત્યા કર્યાનો ઘટસ્ફોટ

132
0

સપ્તાહ પહેલા તારાપુરની નવી સિવિલ કોર્ટ પાસે રહેતા ૭૭ વર્ષીય વૃધ્ધ વેપારીની ગળાના ભાગે છરીના ઘા મારીને થયેલી કરપીણ હત્યા પરથી આખરે આણંદ એસઓજી પોલીસે તપાસ હાથ ધરીને હત્યારાને ઝડપી પાડીને પડદો ઊંચકી નાંખ્યો છે. સમલૈંગિક સંબંધોને કારણે વૃદ્ઘ વેપારીની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. જો કે હત્યારેએ ચેઈનની પણ લૂંટ કરી હોય લૂંટ વીથ મર્ડરની થીયરી ઉપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૨૬મી તારીખના રોજ બપોરના સુમારે લોખંડના પલંગ અને પીપડા વેચવાનો ધંધો કરતા પિતાંબરદાસ મહેશ્વરીની તેમના મકાનના ઉપલા માળે ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ સંદર્ભે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે લોહીથી ખરડાયેલી છરી પણ મળી આવી હતી. રહસ્યમય હત્યાને લઈને એલસીબી, એસઓજી, તારાપુર સહિત કુલ સાતેક જેટલી ટીમનો બનાવીને સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એસઓજી પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ કરતા એક પીળી જર્સી પહેરેલો યુવાન પિતાંબરદાસના ઘર તરફ જતા અને ત્યારબાદ પરત હાથમાં ટી-શર્ટ લઈને જતો કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. પોલીસે બન્ને ફુટેજ સરખાવતા તે એક જ વ્યક્તિના હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ વ્યક્તિ કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવતાં પોલીસને માહિતી મળી હતી કે, આ યુવાન છેલ્લા ચારેક મહિનાથી તારાપુરના ગાયત્રીનગર ખાતે રહેતો હતો. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં રહેતા દંપત્તિની પુછપરછ કરતા ઉક્ત યુવાન ગોવિંદ યાદવ ઓમપ્રકાશ યાદવ (ઉ. વ. ૧૮ અને ૫ માસ)નો હોવાનું જણાવ્યું હતું અને હાલમાં તે પોતાના વતન યુપીના દેવરીયા જીલ્લાના ફતેપુર લેહદા તોલા ખાતે ગયો હોવાનું જણાવતાં જ એસઓજીની એક ટીમ તાબડતોબ યુપી જવા રવાના થઈ ગઈ હતી અને ત્યાં પહોંચીને યુપી પોલીસની મદદથી ઉક્ત યુવાનને દબોચી લઈને આણંદ લાવી પુછપરછ કરતા તેણે જ હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી લીઘી હતી.તેની વિસ્તૃત પુછપરછ કરતા તેણે સઘળી હકિકત પોલીસ સમક્ષ વર્ણવી દીધી હતી.

આ અંગે એક પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ખંભાતના એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતુ કે, ગોવિંદ યાદવ ગે છે અને તે છેલ્લા ચારેક મહિનાથી તારાપુર ખાતે રહેતી પોતાના બહેનને ત્યાં રહેવા માટે આવ્યો હતો. જ્યાં તે બનેવીને સુથારીકામમાં મદદ કરતો હતો. ગે હોવાને કારણે તે તારાપુરના એક બે યુવાનોના સંપર્કમાં આવ્યો હતો અને તેમની સાથે સમલૈંગિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તે છેલ્લા ૧૫-૨૦ દિવસથી પિતાબંરદાસ મહેશ્વરીના સંપર્કમાં આવ્યો હતો અને ત્રણથી ચાર વખત સમલૈંગિક સંબંધો બનાવ્યા હતા. જો કે પિતાંબરદાસે સંબંધો બાંધ્યા બાદ તેને એકપણ પૈસો આપ્યો નહોતો. આ તરફ તેને પૈસાની જરૂરત પડી હતી. તે જાણતો હતો કે, પિતાંબરદાસ ગળામાં અઢીથી ત્રણ તોલા સોનાની ચેઈન પહેરે છે, એટલે બનાવના દિવસે એટલે કે ૨૬મી તારીખના રોજ સવારના સુમારે જ તેણે પિતાંબરદાસની હત્યા કરીને ચેઈન લૂંટવાની યોજના બનાવી લીધી હતી અને બજારમાં જઈને એક ધારદાર છરી ખરીદી લાવ્યો હતો. ત્યારબાદ બપોરના એક વાગ્યા બાદ તે પિતાંબરદાસના ઘરે ગયો હતો જ્યાં ઉપલા માળે હાજર પિતાંબરદાસ સાથે સમલૈંગિક સંબંધો બાંધ્યા બાદ પૈસાની માંગણી કરતા પિતાંબરદાસે ના પાડતા જ તેણે પિતાંબરદાસના ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પિતાંબરદાસે હાથ પકડી લઈને બચકુ ભરી લીધું હતુ. જેથી ઉશ્કેરાયેલા ગોવિંદ યાદવે છરી કાઢી હતી અને પહેલો જ ગળાના ભાગે મારી દેતાં લોહીની છોળો ઉડી હતી. ત્યારબાદ બીજા પાંચથી છ જેટલા ઘા મારી દેતાં ગળુ જ કપાઈ જવા પામ્યું હતુ અને પિતાંબરદાસ ત્યાં જ મોતને ભેટ્યા હતા. ત્યારબાદ ગોવિદે ગળામાંથી ચેઈન લૂંટી લીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે હત્યાના બનાવ બાદ બે દિવસ સુધી ગોવિંદ યાદવ તારાzપુરમાં પોતાની બહેનના ઘરે જ રહ્યો હતો અને જાણે કે કશુંય થયુ નથી તેમ વર્તતો હતો. આ બે દિવસ સુધી તેણે પોલીસ કઈ-કઈ દિશામાં તપાસ કરે છે તેના પર નજરો પણ રાખતો હતો. બે દિવસ બાદ પોતાની બહેનને કોલેજમાં એડમિશન લેવાનું છે તેમ જણાવીને પોતાના વતન યુપી જતો રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here