બોરસદ
બોરસદ તાલુકાના ડભાસી ગામમાં રહેતા ખેડૂતને ગઠિયાએ ફોન કરી તેમનું ક્રેડિટ કાર્ડની લીમીટ બદલાઇ ગઈ હોવાનું જણાવ્યું હતું. આથી, ખેડૂતે તે બંધ કરવાનું કહેતા ગઠિયાએ માહિતી મેળવી રૂ.26 હજાર બારોબાર ખાતામાંથી ઉપાડી લીધાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદના ડભાસી ગામે બ્રાહ્મણવાળી ખડકીમાં રહેતા મહેશ ડાહ્યાભાઈ પટેલ ખેતી કામ કરે છે. તેઓ 14મી એપ્રિલ,23ના રોજ ખેતરમાં હતાં, તે સમયે તેમના મોબાઇલ પર અજાણ્યા શખસનો ફોન આવ્યો હતો. તેણે હિન્દીમાં વાત કરી પોતે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઓફિસ અમદાવાદથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું અને ક્રેડિટ કાર્ડની લીમીટ બદલાઇ ગઇ છે અને દર મહિને રૂ.6 હજાર ભરવા જણાવ્યું હતું. આથી, મહેશભાઈએ તેને બંધ કરવા જણાવ્યું હતું. જોકે, ગઠિયા લીન્ક મોકલી તેમાં જરૂરી માહિતી ભરાવી હતી. બાદમાં ઓટીપી આવ્યો હતો. જે મહેશભાઈએ વિશ્વાસમાં આપી દીધો હતો. જોકે, બીજા દિવસે તપાસ કરતાં તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાયું હતું. આથી, તેમણે કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. પરંતુ તે પહેલા રૂ.26 હજાર અજાણ્યા શખસે લઇ લીધા હતા. આ અંગેનો મેસેજ અમેરિકા રહેતા તેમના પુત્રના મોબાઇલ પર આવતા તેણે પુછપરછ કરી હતી. પરંતુ મહેશભાઈએ કોઇને નાણા આપ્યા ન હોવાનું જણાવ્યું હતું. આમ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા જતાં ગઠિયાએ માહિતી મેળવી રૂ.26 હજારની છેતરપિંડી કરી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.