મહીસાગર : 10 જાન્યુઆરી
લુણાવાડા સ્થિત મહિસાગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂ.20 હજારની લાંચ લેતા ખુદ શિક્ષણાધિકારી જ પકડાતાં શિક્ષણજગતમાં ચકચાર મચી ગઈ હતી. નવા હાજર થયેલા શિક્ષિકાના એમ્પ્લોઇ આઈડી બનાવવા માટે અધિકારીએ લાંચ માંગતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓ લાંચ લેતાં રંગેહાથ પકડાઇ ગયાં હતાં.
મહિસાગર જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશ નટવરલાલ મોદી (રહે.અમદાવાદ, હાલ નાના સોનેલા, લુણાવાડા) લાંચ લેતા પકડાયાં હતાં. નાની સરસણ ગામની ભોમાનંદ વિદ્યાલયમાં થોડા સમય પહેલા શિક્ષિકા તરીકે શ્વેતાબહેન ધીરૂભાઈ ચૌધરી હાજર થયાં હતાં. આ શિક્ષિકાના એમ્પ્લોઈ આઈડી બનાવવા માટે શાળાના આચાર્ય દ્વારા જરૂરી પેપર વર્ક કરી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ દરખાસ્ત મોકલી આપી હતી. જોકે, લાંબા સમયથી તેનું આઈડી બનતું નહતું. આથી, આચાર્ય અને શિક્ષિકા શ્વેતાબહેન 5મી જાન્યુઆરી,23ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ પુછપરછ કરવા ગયાં હતાં. આ સમયે જિલ્લા શિક્ષણાધિકારી પ્રકાશ મોદીએ તેમની પાસેથી એમ્પ્લોઇ આઈડી બનાવવાના રૂ.20 હજારની લાંચ માંગી હતી અને રૂ.20 હજાર આપશો તો જ તમારું કામ થશે. તેમ જણાવ્યું હતું. આથી, આચાર્ય અને શિક્ષિકા શ્વેતાબહેને આ અંગે મહિસાગર એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. તેજોતના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા અંતર્ગત આચાર્ય અને શિક્ષિકા રૂ.20 હજાર લઇ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોચ્યાં હતાં અને જરૂરી વાતચીત બાદ પ્રકાશ નટવરલાલ મોદીએ લાંચ માંગતા તે આપતા જ એસીબીએ દરોડો પાડી તેમને રંગેહાથ પકડી લીધાં હતાં. આ અંગે તેમના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.