કાલોલ: 15 નવેમ્બર
કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ફતેસિંહ ચૌહાણને ટિકિટ મળી ગયા પછી સોમવારે ઉમેદવારી ફોર્મ ભરીને પોતાનો પ્રચાર, પ્રસાર અને લોકસંપર્કનો ધમધમાટ શરૂ કરી દીધો છે, જે પ્રચાર મધ્યે કાતોલ ગામમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને ઘોડા પર બેસાડીને ભવ્ય સ્વાગત કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે ભાજપના કેસરીયા ઉમેદવાર ફતેસિંહ ચૌહાણની રેલી કાતોલ ગામમાં પહોંચી ત્યારે કાતોલ ગામના પૂર્વ સરપંચ અને ભાજપના સ્થાનિક નેતા ગુણવંતસિંહ પરમારે ફતેસિંહ ચૌહાણનું અનોખા અંદાજમાં સ્વાગત કર્યું હતું. આ અનોખા અંદાજના સ્વાગતમાં ગામલોકોએ ફતેસિંહ ચૌહાણને ઘોડા પર બેસાડીને ઘોડેસવારી કરાવીને કાતોલ ગામનો મજબૂત તોલ આપ્યો હતો. ઘોડેસવારીના આ શક્તિ પ્રદર્શનમાં મોટીસંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તદ્ઉપરાંત જાહેરસભા ખાતે પણ મોટી સંખ્યામાં ઉમટેલા સ્થાનિક લોકોની ઉપસ્થિતિ જોઇને ફતેસિંહ ચૌહાણે ગદગદીત બનીને કાતોલ ગામનું ભવ્ય જનસમર્થન નિહાળ્યું હતું.




















