હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર, જવાનપુરા અને પંચેરામાં અન્ન નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૩ યોજાયો. આ કાર્યક્રમમાં મંત્રી દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને કુમકુમ તિલક, રમકડાંની કીટ, ગિફટ આપી હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં રાજેન્દ્રનગરમાં બાલ વાટિકામાં 18, આંગણવાડીમાં 7, જવાનપુરામાં આંગણવાડીમાં 2, બાલ વાટિકામાં 19 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે 20 વર્ષ પહેલા વડાપ્રધાન દ્વારા કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ શરુ કર્યો હતો. જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે અને ડ્રોપાઉટ રેશીયો પણ ઘટ્યો છે. આજના આ બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમના પરિણામે દીકરીઓમાં શિક્ષણના ઉચ્ચ પરિણામો જોઈ શકીયે છીએ.
IAS મનોજકુમાર દાસની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રવેશોત્સવમાં હિંમતનગરના અણીયોલમાં ધો.1માં 01, બાલ વાટિકાના 37, વિરાવાડામાં ધો.-1માં 05,આંગણવાડીમાં 03, બાલ વાટિકામાં 26 અને બેરણામાં ધો.1માં 08, આંગણવાડીમાં 12 અને બાલ વાટિકામાં 42 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઈ- પ્રજાસેતુ માસિક મેગેઝીનનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા પાણી બચાવો, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો ઉપર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના દાતાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાની મુલાકાત લઇ SMC સાથે બેઠક કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર નિનામા, ગામના સરપંચ, સહિયોગ સંસ્થાના ટ્રસ્ટ્રી સુભાષભાઈ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.