આણંદ શહેરના મીનરવા ચોકડી બેક શોપમાં મોડીસાંજે શોર્ટસર્કિટ કે અન્ય કારણસર આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આજુબાજુના દુકાનદારોએ આગ બુઝાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મીનરવા ગેસ્ટ હાઉસ રસ્તો બ્લોક કરી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમો દોડી આવીને પાણીનો મારો કરી 1 કલાકની જહેમત બાદ આગ બુઝાવી દેતા દુકાનાદારોએ હાશકારો અનુભવ્યો હતો.
આણંદ શહેરમાં મીનરવા ચોકડી પાસે 10 દિવસ અગાઉ બેક શોપ નામની નવી દુકાન શરૂ કરવામાં આવી હતી. શુક્રવાર સાંજના આ દુકાનમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણસર આગ ભભૂકી ઉઠતાં દુકાનના કામદારો અને માલિક બહાર દોડી આવ્યાં હતા.
આગના પગલે આજુબાજુના દુકાનદારો દોડી આવ્યાં હતા. આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયરબ્રિગેડને જાણ કરતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી હતી. આગ તેજ હોવાથી મુખ્ય રોડ બંધ કરીને આગ બુઝાવાઇ હતી. જેથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. આગ બુઝાતાં આજુબાજુના દુકાનદારો હાશકારો અનુભવ્યો હતો.