Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76માં સ્વાતંત્ર્ય દિવસની આન,...

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76માં સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

253
0

સુરેન્દ્રનગર: 15 ઓગસ્ટ


હર ઘર તિરંગા અભિયાન તમામ વર્ગોને જોડનારૂ, દેશભક્તિની ભાવનાને વધુ સશક્ત બનાવનારૂ બની રહ્યું છે- જિલ્લા કલેક્ટરશ્રી કેયુર સી. સંપટ

વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ સમગ્ર સાયલા શહેર તિરંગાનાં રંગે રંગાયું

સાયલા તાલુકાનાં વિકાસ અર્થે રૂ. 25 લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

આજે ભારતનાં 76મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી સાયલા સ્થિત સાર્વજનિક હાઈસ્કુલ ખાતે જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટનાં અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે સાયલા તાલુકાની વિવિધ કોલેજ-સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.


આ અગાઉ, જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને સરદારસિંહ રાણા સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, દેશની સ્વતંત્રતા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર અનેક વીર સપૂતોનાં બલિદાનોનાં કારણે મળેલી આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમનાં યોગદાનને યાદ કરવાનાં શુભ આશયથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પંક્તિ ‘સ્વાધીનતા, તારા નામમાં શી મીઠાશ ભરી’ ને ટાંકતા જણાવ્યું હતું કે આ મોંઘેરી, વ્હાલી આઝાદી મેળવવાની લડાઈમાં ઝાલાવાડનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. સરદાર સિંહ રાણા, ઝવેર ચંદ મેઘાણી જેવા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત મોતીભાઈ દરજી, ફુલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ, બબલભાઈ મહેતા, સ્વામી શિવાનંદજી, સરદાર પટેલના જમણા હાથ સમા મણીલાલ કોઠારી અને બળવંતભાઈ મહેતા જેવા ઝાલાવાડના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને કલેક્ટરશ્રીએ યાદ કરતા આદરાંજલિ પાઠવી હતી. આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.


વધુમાં કલેકટરશ્રીએ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૧ કરોડથી વધુ અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ઘરો પર તિરંગો લહેરાવી અનોખી રીતે ઉજવણી કરી સહભાગી થવા બદલ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનને અદભુત પ્રતિસાદ મળ્યો છે. નામી-અનામી સ્વાતંત્ર્ય વીરોને યાદ કરીને રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી શરૂ કરાયેલ આ અભિયાન તમામ વર્ગ, સમાજને જોડનારૂ બની રહ્યું છે. ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે જિલ્લાએ છેલ્લા વર્ષોમાં કરેલી પ્રગતિ વિશે વિગતવાર જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા કલેક્ટરશ્રીએ જિલ્લામાં પી.એમ. આવાસ યોજના, નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતું.


76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સહિતનાં મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં વિવિધ વિભાગનાં 75 અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લાનાં 3 સ્વાતંત્ર્ય સેનાનીઓનાં પરિવારજનોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીનાં હસ્તે સાયલા તાલુકામાં વિકાસ કાર્યો અર્થે રૂ. 25 લાખનો ચેક સાયલા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ એન. મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, પ્રાંત અધિકારીશ્રી એચ. એમ. સોલંકી તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here