સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
સરકારની યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે
-વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા
લીંબડી ખાતે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં બ્લોક હેલ્થ મેળો યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યના નાગરિકોને આરોગ્ય સેવાઓ ઘર આંગણે પહોંચાડી શકાય તેવા હેતુથી વિવિધ તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં લીંબડી ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી નિ:શુલ્ક પહોંચે અને લોકોનું જીવન નિરોગી અને સ્વસ્થ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી એક પણ લાભાર્થી વંચિત ન રહે અને આ યોજનાઓનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગંભીર રોગોમાં રૂપિયા ૫ લાખ સુધીની સારવાર સહાય આપવામાં આવે છે. સામાન્ય લોકોની આરોગ્ય સુખાકારી માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ આરોગ્ય મેળો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની અનેકવિધ યોજના કાર્યાન્વિત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લોકોને મળી રહે તેમજ આ યોજનાઓથી લોકો અવગત થાય તે માટે આવા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
આ તકે જગદીશભાઈ મકવાણા અને લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસે પ્રાસંગિક ઉદબોધન કરી આ જન આરોગ્ય મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમારે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે પ્રાંત અધિકારી એચ.એમ. સોલંકી, મુકેશભાઇ શેઠ, દશરથસિંહ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.