Home બનાસકાંઠા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે… , ખેડૂતો પાસે પ્રાકૃતિક...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે… , ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતીનું વચન માંગતા આચાર્ય દેવવ્રત…

152
0

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. પ્રથમ દિવસે સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના સીમાવર્તી ગામો પાડણ, ભરડવા અને સૂઈગામની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતી અંગે ગ્રામજનો સાથે  સંવાદ કરી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. ખેડુતોના પ્રશ્નો સાંભળી તેમણે સમસ્યાઓના નિવારણ માટે વહીવટીતંત્રને જરૂરી આદેશો કર્યા.

સીમાવર્તી ગામોની મુલાકાત અંતર્ગત ગામલોકો સાથેના સંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, કોઈ રાજ્યપાલે આ વિસ્તારની મુલાકાત લીધી હોય એવું ભાગ્યે જ બન્યું હશે. . તેમણે કહ્યું કે, ગયા વર્ષે આ રીતે તેમણે કચ્છ જિલ્લાના સીમાવર્તી ગામોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આનંદ વ્યક્ત કરીને કહ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સરહદનું રક્ષણ કરતા અન્નદાતાઓની મુશ્કેલીઓ જાણવી જોઈએ, અને તેના નિવારણ માટે પ્રયત્નો કરવા જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ગૌ આધારિત ખેતીનું માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરતાં જણાવ્યું કે, રાસાયણિક ખાતરના વપરાશને લીધે જમીનમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે, ત્યારે જમીનના પોષક તત્વો ટકાવી રાખવા માટે  પ્રાકૃતિક ખેતી માટે અનિવાર્ય એવા જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે લોકોને વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાસાયણિક ખાતર અને જીવામૃત-ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં, ત્રણ ગણી થશે. તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો. પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતો તથા ખેડૂતોએ વધારાના કોઈપણ પ્રકારના ઇનપુટની બજારમાંથી ખરીદી કર્યા સિવાય માત્ર એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય અને તેનાથી થતા લાભો બાબતે સરહદી ગામોના લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે કહ્યું કે, હાલ ખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના ઉપયોગના કારણે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. સમગ્ર જીવસૃષ્ટિ પર તેનો દુષ્પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાના ઉપયોગ વિનાની ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી આવતીકાલની પેઢીને સુખી, સમૃદ્ધ જીવનની ભેટ આપવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here