લુણાવાડા : 26 એપ્રિલ
રાજયના ૨૮ જિલ્લામાં ૩૨૫૦ વિધા સહાયકોને પૂરા પગારી હુકમ વિતરણ કરવાના સમારોહ અંતર્ગત આજરોજ મહીસાગર જિલ્લા મથક લુણાવાડા બેતાલીસ પાટીદાર સમાજ ઘર ખાતે રાજયના ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારંભમાં રાજયના ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ આજે પૂરા પગારી હુકમ મેળવનાર સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, દેશના સુર્વણ ભવિષ્ય ઘડવાનું અને આર્દશ સમાજનું નિર્માણ કરવાનું કાર્ય શિક્ષકો કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, આજે રાજયમાં શિક્ષણ માટેની જાગૃત્તિ તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભ કરેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, ગુણોત્સવ કાર્યક્રમો થકી આવી છે. આ સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. એટલે શાળાઓની ભૌતિક સુવિધાઓ તેમજ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ–શિક્ષકો સંબંધિત કોઇપણ પ્રશ્નને ઉકેલવામાં આ સરકાર હમેંશા કટિબધ્ધ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવકે પ્રાસંગિક ઉદબોધનમાં પૂર્ણ પગાર હુકમ મેળવેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. મહીસાગર જિલ્લાના ૩૪ વિધાસહાયકોને પુરા પગારી હુકમ પત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો મનીષકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે ડી લાખાણી, અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા, જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખો, શિક્ષક સંઘ અગ્રણીઓ, પદાધિકારીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.