ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ભયાનક રુપ ધારણ કરી રહ્યું છે. જેને લઇને તંત્ર પણ સજજ દેખાઇ રહ્યું છે. વાાવઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી હવે માત્ર 300 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. જેથી દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. વળી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વાવાઝોડાને પગલે રાજ્યના પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર રોપ-વેને 4 દિવસ માટે બંધ રાખવામાં આવશે.
હાલમાં બિપોરજોય વાવાઝોડાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં મીટીંગ યોજાઇ હતી, જેમાં વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રની સૂચનાનું પાલન ગબ્બર ખાતે ઉષા બ્રેકો કંપની દ્વારા પણ કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા અહેવાલ જાહેર કરાયો છે. તેમાં જણાવ્યું હતું કે 13 જૂનથી 16 જૂન સુધી ગબ્બર રોપ-વે 4 દિવસ સુધી માઈ ભક્તો માટે બંધ રહેશે અને ભક્તો ચાલતા દર્શન કરવા જઈ શકશે.
ઉલ્લેખનીય છે કે, માં અંબાનું પ્રાચીન મંદિર ગુજરાત ખાતે આવેલ છે. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડો પર વસેલું જગત જનની જગદંબામાં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી થી 3 કિલોમીટર દૂર માં અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ગબ્બર પર્વત ઉપર ચાલતા જવાના 999 પગથીયાં છે અને ઉતરવાના 765 પગથીયાં છે આમ ગબ્બર ચાલતા જઈને ઉતરવાથી ગબ્બર પર્વતની પ્રદક્ષિણા થાય છે. ઉષા બ્રેકો કંપની દ્વારા 1998 માં ગબ્બર પર્વત ખાતે રોપવે સર્વિસ ચાલુ કરવામાં આવી હતી. હાલમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં રોપ-વેમાં બેસીને માતાજીના દર્શન કરવા જાય છે.