Home સુરેન્દ્રનગર પ્રજાકીય કામો કરવામાં રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર – વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ...

પ્રજાકીય કામો કરવામાં રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર – વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

127
0
સુરેન્દ્રનગર : 19 ફેબ્રુઆરી

પાણી પુરવઠા વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ૧૧ ગામો અને ધાંધલપુર હેડવર્કસ આધારિત ૪ ગામોના નાગરિકો માટે સુખભાદર ડેમ આધારીત પીવાના શુદ્ધ પાણી પૂરું પાડવા માટેની રૂપિયા ૧૦.૩૮ કરોડની યોજનાનો વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સાયલા તાલુકાના દેવગઢ ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રીના હસ્તે જૂથ પાણી પુરવઠાની આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજે રાજ્ય સરકાર દ્વારા આ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવતા આ વિસ્તારના લોકોનો પીવાના પાણીના પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવ્યો છે. આ પાણી પુરવઠાની યોજના મારફત હવે આ વિસ્તારના લોકોના ઘરે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે જેનાથી આ વિસ્તારના પીવાના પાણીની મુશ્કેલી દૂર થશે તેમજ આગામી સમયમાં પણ પાણી પુરવઠાની વિવિધ યોજના મારફત વિવિધ કામો હાથ ધરવામાં આવશે.
પ્રજાકીય કામો કરવામાં રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર છે તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રજાને ખરા અર્થમાં ઉપયોગી થાય તેવા વિકાસ કામોનો રાજ્ય સરકારે યજ્ઞ આરંભ્યો છે અને ગામડામાં વિવિધ યોજનાઓ મારફત રસ્તા, ગટરલાઈન અને પીવાના પાણીના કામો હાથ ધરવામાં આવ્યા છે.

વનવિભાગની વાત કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પહેલા વનવિભાગ દ્વારા રાજ્ય કક્ષાએ વન મહોત્સવ ઉજવાતો હતો, હવે જિલ્લા અને તાલુકા કક્ષાએ આ વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા અગ્રણી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી માટે સરકારે આરોગ્ય શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે.


આ તકે રાજકોટ પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર કોમલ અડાલજાએ જૂથ પાણી પુરવઠા યોજનાની વિસ્તૃત વિગતો આપી હતી.
કાર્યક્રમના અંતમાં મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ  કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદશંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેશભાઇ મકવાણા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી જે.કે.પટેલ, અગ્રણીઓ સર્વ રાજભા ઝાલા, ડાયાભાઈ જીડીયા, કાળુભાઈ કાલીયા, સુરિંગભાઈ ધાંધલ ,પી.પી જાદવ અને ભાવેશભાઈ મકવાણા તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારી /કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here