સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરી
શાળાએ ગયેલો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ખાડાના પાણીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ
પાટડી તાલુકાના ધામા ગામે નરેગાના ખાડાએ સ્કુલેથી આવતા નિર્દોષ બાળકનો ભોગ લીધો હતો. શાળાએ ગયેલો બાળક મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ બાદ ખાડાના પાણીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ સાથે ગમગિનીનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો અને ઝીંઝુવાડા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં નરેગા વિભાગના કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યા છે. ત્યારે ખાસ કરીને પાટડી તાલુકાના ધામા પંથકમાં પણ નરેગા યોજના અંતર્ગત કામોનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે. ત્યારે પાટડી તાલુકાના ધામા ગામે ગ્રામ પંચાયત દ્વારા સંપનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે પ્રથમ જે સંપ માટે ખાડો ખોદવામાં આવ્યો ત્યાં પાણીની પાઇપલાઇન લીક થઈ હતી. અને તે ખાડો પાણીનો ભરાઈ ગયો હતો. ત્યારબાદ બાજુમાં ફરી સંપનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતુ. નરેગા યોજના અંતર્ગત આ કામ કરવામાં આવતું હતું.
ધામા ગામે પ્રથમ જે ખાડો ખોદ્યો તે પુરાણ કરવામાં ન આવતા બાજુમાં આવેલી શાળામાં અભ્યાસ કરતો આઠ વર્ષનો બાળક આ ખાડામાં ખાબક્યો હતો. અને પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજવા પામ્યું હતુ. ત્યારે સવારે 11 વાગ્યે ધામા ગામે જ રહેતા પરિવારનો ધોરણ 3માં અભ્યાસ કરતો આઠ વર્ષનો પુત્ર કુલદીપ ધરમશીભાઇ મુંજપરા (ઠાકોર) શાળાએ અભ્યાસ માટે ગયો હતો. પરંતુ રાત્રે 8 વાગ્યા સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા એની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ આ સમ્પના ખાડામાં ચેકિંગ કામગીરી હાથ ધરાતા આ આઠ વર્ષના બાળકનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો.
– પરિવારમાં પણ રોષ લાગણી વ્યાપી જવા પામી
કારણ કે, ધામા ગામે નરેગા દ્વારા જે સંપનો ખાડો ખોદવામાં આવ્યો હતો, તે પુરાણ કરવામાં આવ્યો ન હતો. જેથી તેમાં પાણી ભરાયું હતુ અને આઠ વર્ષનો બાળક તેમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. જોકે આ બાબતની જાણકારી થતા ગામના તલાટી, તાલુકા વિકાસ અધિકારીની ટીમ અને ઝીંઝુવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શાળાએ ગયેલો બાળક અચાનક ખાડામાં કેમ પડી ગયો ? તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે, શાળાએ રીશેષ સુધી આ બાળકની હાજરી હોય તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. રિશેષ બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે
– આઠ વર્ષે સંતાન સુખ મળ્યુ હતુ માતા પિતાનો એકનો એક આઠ વર્ષનો દીકરો મોતને ભેટ્યો
પાટડી તાલુકાના ધામા ગામના દંપતિને આઠ વર્ષે સંતાન સુખ મળ્યુ હતુ. ત્યારે માતા પિતાનો એકનો એક આઠ વર્ષનો દીકરો મોતને ભેટતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. કારણ કે, એમને અન્ય કોઈ સંતાન પણ નથી. આ ઘટનાની જાણ થતાં GKTSના ગોગી ઠાકોર, સુર્યકાંત વરસાણી અને નાગજીભાઈ ઠાકોર સહિતના આગેવાનો પાટડી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઝીંઝુવાડા પીએસઆઇ એન.એલ. સાંખટ, તલાટી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.