ગોધરા: ૧૧ જાન્યુઆરી
કોવિડ-19 પ્રતિરોધક રસી જ કોરોના સામેનું અસરકારક શસ્ત્ર સાબિત થઈ છે અને હાલમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બિમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનાં અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ પ્રિકોશન ડોઝ કે જે બૂસ્ટર ડોઝ તરીકે પણ ઓળખાય છે તે આપવાની શરૂઆત થઈ છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ આજે તૈલંગ સ્કૂલ, ગોધરા ખાતે અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે દલુની વાડી પ્રા. શાળા, ગોધરા ખાતે વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઈને અન્યોને પણ કોવિડ વેક્સીન સમયસર લઈ લેવા પ્રોત્સાહિત કર્યા હતાં. વેક્સિન લીધા બાદ જિલ્લા કલેક્ટરરે જે લોકો માર્ગદર્શિકા અનુસાર બૂસ્ટર ડોઝ માટે લાયક છે તેવા તમામ લોકોને વહેલી તકે બુસ્ટર ડોઝ મૂકાવવા અપીલ કરી હતી.
પોતાના સહિત જિલ્લાના તમામ વરિષ્ઠ અધિકારીઓએ રસી મૂકાવી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે વેક્સીનેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોરોના સંક્રમણની ઘાતક અસરો સામે રક્ષણ આપનારી છે. જેથી દરેક વ્યક્તિએ જાગૃત બની સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતે અને આસપાસનાં દરેક લોકોને કોરોનાની વેક્સીન મુકાવી સુરક્ષિત બનવું જોઇએ. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા “પ્રિકોશન ડોઝ” અતિ મહત્વનો હોવાનું જણાવી જિલ્લાનાં મહત્તમ વયસ્કો, હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વહેલી તકે આ પ્રિકોશન ડોઝ લેવા માટે અનુરોધ કર્યો હતો. કોરોના સંક્રમણનાં કેસો અટકાવવા જિલ્લાના નાગરિકોને માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાતપણે ચુસ્ત પાલન કરવા જિલ્લા સમાહર્તા અપીલ કરી હતી. આ સાથે તેમણે જિલ્લામાં 15 થી 18 વર્ષની વયના સ્કૂલના બાળકોને પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે વાલીઓને પણ જાગૃત બની તેમના બાળકોને રસી મૂકાવી કોરોના સામે બાળકોને સુરક્ષિત કરવાના અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન તેમણે આરોગ્યકર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લામાં કોરોનાનાં 169 સક્રિય કેસો છે. હાલ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેસન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ખૂબ સુંદર રીતે આગળ વધી રહી છે. 15 થી 18 વર્ષનાં કુલ 38,514 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અને 5,074 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે.