નડિયાદ :
નડિયાદ નગરપાલિકામાં મહિલા પ્રમુખ પતિ સામે ચાલી રહેલા વિરોધમાં મંગળવારે વોર્ડ નં.6ના કાઉન્સિલર પુત્રએ સત્તાના નશામાં ભાન ભુલી મિડીયા કર્મચારી સાથે અશોભનીય વર્તન કર્યું હતું.
(જીગર ભ્રમભટ્ટ વોર્ડ નંબર.૬ ના કાઉન્સીલર રીટા ભ્રમભટ્ટનો પુત્ર)
કાયદાને જાણે ખીસ્સામાં લઇને ફરતો હોય તેમ કાઉન્સીલરના પુત્રએ મીડિયા કર્મચારીનો મોબાઇલ ઝુંટવી તેની સાથે ઝપાઝપી કરી ધમકી પણ આપી હતી. આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે. ખુદ ભાજપના જ કાઉન્સીલરે આ બનાવને વખોડી કાઢ્યો હતો અને ચોથી જાગીર સમાન મીડિયા સાથેના આવા વર્તનની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેવો પણ સુર ઉઠ્યો છે.
(ચંદ્રકાંત વાઘેલા નડીયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન ના પતિ)
નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબહેન વાઘેલાના પતિ ચંદ્રકાંત વાઘેલા છેલ્લા કેટલાક સમયથી પ્રમુખની ખુરશીની બાજુમાં ગોઠવાઇને સમાંતર સત્તા ચલાવી રહ્યા છે. પાલિકામાં પતિની સરમુખત્યારશાહી હોય તેમ દરેક નિર્ણય કરતા જોવા મળે છે. ઠરાવ સહિત મહત્વપૂર્ણ નિર્ણયમાં ઉપપ્રમુખ સહિત સાથી સભ્યને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. આ ઉપરાંત રજુઆત કરવા જતા કાઉન્સીલર સાથે યોગ્ય વર્તન પણ ન કરતાં હોવાની ફરિયાદો પક્ષમાં જ ઉઠી છે. આ અંગે ભાજપના જ કેટલાક કાઉન્સીલરે બળવો કરી પ્રમુખ પતિ ચંદ્રકાંત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મોવડી મંડળને પણ ફરિયાદ કરી છે. આમ છતાં પ્રમુખ પતિ ચંદ્રકાંતની તુમાખીમાં કોઇ ફર્ક પડ્યો નથી. જેને કારણે ભાજપના કાઉન્સીલરો બે જુથમાં વહેંચાઇ ગયાં છે.
નડિયાદ નગરપાલિકામાં મંગળવારના રોજ ચંદ્રકાંત વાઘેલા આવ્યા હતા અને કોઇ પણ જાતનો હોદ્દો ન હોવા છતાં પ્રમુખની કેબિનમાં ગોઠવાઇ ગયાં હતાં.
(નડીયાદ નગરપાલિકાના પ્રમુખ અને તેમના પતિનો ફાઈલ ફોટો)
આ મુદ્દે પહેલેથી જ વિવાદ ચાલતો હોય જે અંગે સ્પષ્ટતા માંગવા કેટલાક મીડિયા કર્મચારી પણ પાલિકા પહોંચ્યાં હતાં. પરંતુ અચાનક મીડિયાને જોઇ પ્રમુખ પતિ ચંદ્રકાંત વાઘેલા પાછલા બારણેથી રફુચક્કર થવાના ફિરાકમાં હતાં. આ જ સમયે ખેડાના પત્રકાર કરૂણેશ પંચમવેદી તુરંત ચંદ્રકાંત વાઘેલા પાસે પહોંચી ગયા હતા અને બાઇટની માંગણી કરતાં તેઓ વાત ટાળીને પાલિકા પરિસર બહાર નિકળવાની કોશીષ કરી રહ્યાં હતા. વારંવાર વિનમણી છતાં તેઓ કોઇ પ્રત્યુતર આપતાં નહતાં. દરમિયાન પરિસરમાં આવેલા વોર્ડ નં.6ના કાઉન્સિલર રીટાબહેન બ્રહ્મભટ્ટનો પુત્ર જીગર આવી પહોંચ્યો હતો અને મીડિયા કર્મચારી કરૂણેશને રોકી તેનો મોબાઇલ આંચકવા કોશીષ કરી હતી. જોકે, કરૂણેશે વિરોધ કરતાં તેની સાથે તૂતૂ મેંમેં કરી હતી અને સત્તાની આડમાં દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.