ગોધરા : 23 ફેબ્રુઆરી
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેર,ગોધરાના સંયુક્ત ઉપક્રમે બી.આર.જી.એફ. ભવન, ગોધરા ખાતે આજે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સંબોધતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અંગ્રેજો સામેની લડાઈમાં આઝાદી ના ઇતિહાસમાં અનેક આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ ગુમનામ રહી જવા પામ્યા છે. આ આદિવાસીઓના પ્રદાનનું દસ્તાવેજીકરણ કરવાનું કામ આ સેમિનારના માધ્યમથી કરવામાં આવશે. સેમિનારમાં પંચમહાલ જિલ્લા, આદિવાસી ક્ષેત્ર, નાયકો અને સંસ્કૃતિ વિશે ૩૫૦ કરતા વધુ સંશોધન પેપર્સ રજુ થશે. તેમણે જણાવ્યું હતું કે આ પેપર્સમાં રજૂ થયેલ સંશોધનોને સ્ક્રુટનાઇઝ કરીને પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવશે.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. કે.એસ. ગુપ્તાએ મહારાણા પ્રતાપને અકબર સામેની લડતમાં ભીલ સમાજ દ્વારા કરાયેલી મદદ સહિત સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસી પ્રજાના પ્રદાન વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું હતું ઇતિહાસના પાનાઓમાં ગુમનામ રહી ગયેલા આદિવાસી સમાજના કેટલાક સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનો અંગે નવી પેઢી પરિચય મેળવે તે આ પરિસંવાદનો હેતુ છે. આદિવાસી સમાજ પાસેથી સ્વતંત્રતાની ચાહ, સંઘર્ષ માટે ગમે તેટલો લાંબો સમય ઝઝૂમવું પડે તો ઝઝૂમવાની ઈચ્છા શક્તિ વગેરે બાબતે નવી પેઢીને વિગતવાર માહિતગાર કરવાની જરૂર છે અને આ પરિસંવાદ પ્રકારની પ્રવૃત્તિઓ તેમાં સુંદર ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના પ્રવચનમાં આદિવાસીઓને મુખ્યધારામાં લાવવા માટેના સરકારના પ્રયાસો અને આ માટે બનાવેલી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે ટ્રાયબલ ચેરના કો-ઓર્ડીનેટર ડો મહેશ રાઠવા, ડૉ. સુરેશ પટેલ, ડૉ દક્ષાબેન પટેલ, ડૉ. ગોવિંદ નંદાણીયા, ડૉ. સાબત પટેલ, ડૉ. શ્રેયસ પટેલ, શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિતના ચેરના સભ્યો, ઇસી મેમ્બરશ્રી અજય સોની, અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થીઓ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.