Home કાલોલ કાલોલ તાલુકાના અડાદરા ગામે રેતી માફિયાઓના રોફને ડામવા માટે ગ્રામજનોની કાલોલ મામલતદાર...

કાલોલ તાલુકાના અડાદરા ગામે રેતી માફિયાઓના રોફને ડામવા માટે ગ્રામજનોની કાલોલ મામલતદાર અને ધારાસભ્યને રજૂઆત

99
0

કાલોલ : 20 ડિસેમ્બર


કાલોલના અડાદરા ગામના સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ મંગળવારે કાલોલ મામલતદારને કરેલી રજૂઆત અનુસાર અડાદરા ગામમાં સ્થાનિક રેતી માફિયાઓનો આતંક વર્તાઇ રહ્યો છે, ખાસ કરીને બુટલેગર અને ખનીજ ચોરીના ધંધાની આડમાં અસામાજીક બનેલા તત્વોએ ગામના અનેક લોકોની સાથે દાદાગીરી અને મારામારી કરીને રોફ જમાવે છે, તદ્ઉપરાંત ફરિયાદ કરવામાં આવે તો પણ કંઈ ઉપજતું નથી. આ રેતી માફિયાઓએ અડાદરા સ્થિત ગોમા નદી અને સુક્લા નદીના પટમાં બેફામ રેતી ખનન કરીને તેમની કાળી કમાણીથી કાળા કરતુતોનો અડ્ડો જમાવ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે અડાદરા ગામના અસામાજીક તત્વો દ્વારા ગત મહિને ખાણ ખનીજ વિભાગ અધિકારી પર હુમલો કર્યો હતો, તદ્ઉપરાંત ગત અઠવાડિયે સ્થાનિક ખેડૂતના સર્વે નંબરમાંથી રેતી ભરવાનું ના પાડતા બે ભાઈઓ પર ચાર ઈસમો દ્વારા લોખંડની ટોમી વડે હુમલો કરીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ઘટના અંગે ભોગ બનેલા ખેડૂતે‌ અસમાજીક તત્વો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અસામાજીક બનેલા વિરેન્દ્ર ઉર્ફે ‌વિરીયો જસવંતસિંહ જાદવ, ભરત નટવરસિંહ જાદવ, પંકજ નટવરસિંહ જાદવ, સરવત ભરતસિંહ જાદવ (ચારેય રહે. અડાદરા) ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, તદ્ઉપરાંત પંચમહાલ જિલ્લા કલેકટરને પણ રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ કાર્યવાહીમાં ભીનું સંકેલાય જતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અડાદરા પંથકના રેતી માફિયાના હુમલાનો ભોગ બનેલા પરિવારજનોએ કાલોલ મામલતદાર અને નવા ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને કરેલી રજુઆત અનુસાર ભોગ બનેલા પરિવારજનોએ ગત અઠવાડિયે જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારે તે દિવસે સાંજે ગામના આ અસામાજીક તત્વોએ અડાદરા આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સામે જ ૪૦-૫૦ના ટોળાએ મારક હથિયારો‌ સાથે શક્તિ પ્રદર્શન કરીને પોલીસ અમારા ખિસ્સામાં છે તેવું જાહેરમાં કહીને કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા હતા અને ભયનો માહોલ ફેલાવ્યો હતો. આમ નિર્દોષ નાગરિકો પર હુમલો કરીને રુઆબ છાંટતા રેતી માફિયાઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાની પરિવારજનોએ ઘા નાંખી છે.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here