કાલોલ: 30 જાન્યુઆરી
સંઘની ૧૯૭૨માં ખરીદેલી જમીન પર ૫૦ વર્ષ પછી ખાતમૂહુર્તનું મૂહુર્ત થયું
ધી કાલોલ તાલુકા ખરીદ વેંચાણ સંઘના મંડળ દ્ધારા કાલોલ પીપલ્સ કો. ઓ બેન્કની બાજુમાં સંઘના નવીન સહકાર ભવનનું સોમવારે કાલોલના નવા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ ૧૯૪૨ના વર્ષથી કાર્યરત છે, તદ્ઉપરાંત ૧૯૭૨ના તત્કાલીન સમયે સંઘના ભવન માટે નગરમાં જમીન પણ ખરીદી હતી પરંતુ પાછલા ૫૦ વર્ષ સુધી નવીન ભવનનું ખાતમૂહુર્ત પણ કરવાની તક સાંપડી નહોતી, પરંતુ પાછલા વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૨ના ઠરાવને આધારે રૂ. ૮૦ લાખ જેવી માતબર રકમ ફાળવીને બે માળનું નવીન ભવન બનાવવાની કામગીરીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખરીદ વેંચાણ સંઘના ચેરમેન પ્રતાપસિંહ રાઠોડ સહિત તમામ ડિરેક્ટરો, સભ્યો તેમજ કર્મચારી ગણની સાથે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, કાલોલ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ પાલીકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય તેમજ પાલિકાના કારોબારી સભ્યોની સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.