Home કાલોલ કાલોલ કોર્ટમાંથી ફરાર થયેલા આરોપીને કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા તંત્રએ...

કાલોલ કોર્ટમાંથી ફરાર થયેલા આરોપીને કાલોલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો

147
0

કાલોલ : 22 જાન્યુઆરી


ફરાર થયેલો આરોપી તેના ગામની સીમમાં રાતવાસો કરવા રોકાયા હતો સવારે ત્યાંથી જ ઝડપાયો

કાલોલમાં શનિવારે ગોધરાથી પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં મુદત ભરવા માટે આવેલા બે આરોપીઓ પૈકીનો એક આરોપી પોલીસ જાપ્તામાંથી છટકીને ફરાર થઈ જવાની ઘટનાએ પોલીસબેડામાં ખળભળાટ મચાવી દીધો હતો જોકે કાલોલ પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફરાર આરોપી અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી વિગતો મુજબ શનિવારે ગોધરા સબ જેલ ખાતેથી કાલોલ કોર્ટના બે કાચા કામના આરોપીઓ નામે પર્વતસિંહ ફતેસિંહ સોલંકી (રહે. કરાડા, જુનુ ફળીયુ તા.કાલોલ) અને નરૂભાઇ કાળીયાભાઇ પરમાર રહે.ભાનપુર, તા.ધાનપુર જી.દાહોદ) બન્ને આરોપીઓને હાથકડી પહેરાવીને એક જીઆરડી પીએસઆઇ અને એક મહિલા પોલીસ સહિત ચાર પોલીસ કર્મીઓના જાપ્તામાં કાલોલ કોર્ટમાં મુદત ભરવા માટે સરકારી વાહનમાં લવાયા હતા. જે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બપોરના બે વાગ્યાના સુમારે કોર્ટમાંથી સરકારી વાહન સુધી પરત ફરતા સમયે વેજલપુર પોલીસ સ્ટેશનનો આરોપી પર્વત સોલંકીએ હાથચાલકીથી પહેરેલી હાથકડીની કડી સરકાવી દઇને જાપ્તામાંથી છટકી જઇને ફરાર થઈ ગયો હતો. આમ જાપ્તાના પોલીસકર્મીઓની બેદરકારીએ એક આરોપી ફરાર થઈ જતાં સમગ્ર જિલ્લા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી રાત્રીના સુમારે જ પોલીસની વિવિધ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા કાલોલ પોલીસ કર્મીઓની એક ટીમ આરોપીના વતન કરાડા ખાતે પહોંચીને વોચ ગોઠવીને રાતભર તપાસ કરવાને અંતે રવિવારે સવારે આરોપી સીમમાં આવેલા એક ખેતરમાં રાતવાસો કર્યો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસ કર્મીઓએ બાતમીના સ્થળેથી આરોપીને ઝડપી લીધો હતો. આમ કાલોલ પોલીસે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતા સમગ્ર તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here