વિદ્યાર્થીઓ લોકશાહીની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી હિંમતનગરની ત્રિવેણી વિધાલયમાં GS અને LR ની ચૂંટણી વિધાનસભાની પ્રક્રિયા મુજબ EVM થી યોજાઈ હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા શિક્ષણાધિકારી એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મહેતાપુરા વિસ્તારમાં આવેલ ત્રિવેણી વિધાલયમાં વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રણાલિકા એવી ચૂંટણીથી માહિતગાર થાય તે હેતુસર શાળામાં GS અને LR ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાના શિક્ષક દીપકભાઈ પટેલે કર્યું હતું તો ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્ર પટેલની નિમણુક કરવામાં આવી હતી.
શાળામાં ધો-5 થી 12 ના તમામ વર્ગમાં પંચાયતના મોનીટર સહિતના સભ્યો મળી 212 મતદારો માંથી જયદીપ અનિલકુમાર ચાવડા,સુજલ જીતેન્દ્રભાઈ પરમાર અને સિદ્ધરાજ જીવણભાઈ રબારી એમ ત્રણ વિધાર્થીઓ GS માટે અને અવની મહેન્દ્રસિંહ સોઢા, દિવ્ય તેજસકુમાર ચૌહાણ,ઉર્વશી રમેશભાઈ ચેનવા અને રેમા અમૃતલાલ મૌર્ય એમ ચાર વિધાર્થીનીઓ LR માટે ઉમેદવારી કરી હતી. ત્યારબાદ વિધાનસભા જેવી ચૂંટણી પ્રક્રિયા આ GS અને LR ની ચૂંટણીમાં ઉભી કરવામાં આવી હતી. જેમાં GS અને LR ના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. ત્યારબાદ સ્કૂલમાં જ ચુંટણીના મતદાન માટે એક રૂમમાં બે બુથ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં એક જ રૂમમાં બે બુથમાં બે મતદાન કુટીર ઉભી કરી તેમાં ટેબ્લેટના ઉપયોગ કરીને EVM તૈયાર કરવામાં આવ્યું હતું.194 મતદારોએ EVM દ્વારા મતદાન કર્યું હતું.મતદાન પૂર્ણ થયા બાદ શાળાના આચાર્યાઓ, સુપરવાઈઝરો અને શિક્ષકો હાજરીમાં EVM માં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં GS ના ઉમેદવાર જયદીપ ચાવડાને 85, જીતેન્દ્રભાઈ પરમારને 44 અને સિદ્ધરાજ રબારીને 65 મતો મળ્યા હતા. તો LR ના ઉમેદવાર અવની સોઢાને 79, દિવ્યા ચૌહાણને 53, ઉર્વશી ચેનવાને 23 અને રેમા મૌર્યને 39 મતો મળ્યા હતા.વર્ષ-2023-24ના ત્રિવેણી વિધાલયમાં GS તરીકે જયદીપ અનિલકુમાર ચાવડા અને LR તરીકે અવની મહેન્દ્રસિંહ સોઢાની બંનેને શિક્ષકગણ દ્વારા ફૂલહાર પહેરાવીને વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના આચાર્યાઓ અને જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકશાહી પ્રણાલિકા ચૂંટણી પ્રક્રિયા જોઇને આ કામગીરીને બિરદાવીને વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.આ અંગે ત્રિવેણી વિધાલયના શંભુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, GS અને LR ની ચુંટણી લોકશાહી પ્રણાલિકાથી કરવા પાછળનો હેતુ વિધાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયાની સમજણ કેળવાય તેને લઈને વિધાનસભા જેવી જ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી.