Home ખેડુત હળવદ – ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યમાં બેફામ રેતીચોરી મામલે વનવિભાગને ફરિયાદ

હળવદ – ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યમાં બેફામ રેતીચોરી મામલે વનવિભાગને ફરિયાદ

137
0
હળવદ : 22 ફેબ્રુઆરી

હળવદ – ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રક્ષિત વિસ્તારમાં જંગલખાતાના અધિકારીઓની રહેમ નજર હેઠળ જ બેફામ રેતીચોરી કરવામાં આવી રહી હોવાનો સણસણતો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય છત્રસિંહ ગુંજારીયાએ (પપ્પુભાઈ ઠાકોર) લગાવી ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા સનસનાટી મચી જવા પામી છે.

ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં રેતીચોરી મામલે આરએફઓને ધગધગતી રજુઆત કરતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે (છત્રસિંહ ગુંજારીયા) જણાવ્યું છે કે,ધ્રાંગધ્રાના નરાળી રાઉન્ડ ફોરેસ્ટર અને હળવદના ઇન્ચાર્જ આરએફઓ દ્વારા રેતી માફિયાઓ સાથે મળી હળવદ અને ધ્રાંગધ્રાના સેન્ચુરી વિસ્તારમાં બેફામ રેતીચોરી કરવામાં આવી રહી છે. જે તાત્કાલિક અસરથી અટકાવી કાયદેસરના પગલાં ભરવા માંગ ઉઠાવવામાં આવી છે.

વધુમાં જણાવાયું છે કે, કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણ રણકાંઠા વિસ્તારના ગામોમાંથી અનેક લોક ફરિયાદો મળી રહી છે અને કે.આર મુલતાની રાઉન્ડ ફોરેસ્ટર નરાળી હાલ આરએફઓ હળવદ જેમના તાબાના અભ્યારણ્ય વિસ્તારમાં હળવદ રેન્જના ટીકરના રણમાં તેમજ પ્રાંગધ્રા રેન્જના જેસડા કુંડાના રણમાં અને માલવણ થળા સુલતાનપુર વિસ્તારની રેન્જમાં કોઈ પણ જાતની રોકટોક વગર રેતમાફિયાઓનો રાકડો ફાટ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે રેતખનન થઈ રહ્યું છે.

ઘુડખર અભ્યારણમાં રેતી ઉપરાંત જીપ્સમની પણ ખનીજ ચોરી થઈ રહી છે. હળવદ અને ધ્રાંગધ્રા રેન્જની રણની કાંધીના ગામોમાં અનેક રેતીના વોશિંગ પ્લાન્ટ પણ ધમધમી રહ્યા છે અને રાતના અંધારામાં દરરોજ હજારો મેટ્રિક ટન રેતી રણમાં થી ગેરકાયદેસર ઉલેચાઇ રહ્યી છે. રેતમાફિયાઓઓ પાસેથી તગડા હપ્તા મળતા હોવાથી ખનીજચોરોને મોકળું મેદાન મળી ગયું છે.સરકારી નિયમોને યેન કેન પ્રકારે ઉલ્લંઘન કરીને હળવદ રેન્જના ગામો અને રણની કાંધીના ગામોમાથી બેફામ રેતી ચોરી થઇ રહી છે.

આ સંજોગોમાં સેન્ચુરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અનેક રેતીના વોશિંગ પ્લાન્ટ ઘોળા દિવસે તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહ્યા હોય અભ્યારણ્યના વન્ય પ્રાણીઓ માટેના અંતિમ પડાવ સ્થાન એવા પુડખર અભ્યારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવોના અસ્તિત્વ ઉપર ખતરો સર્જાયો છે ત્યારે અભ્યારણ્યમાં ગેરકાયદેસર થતી પ્રવૃતિ ને તાત્કાલિક અસરથી રોકવી અત્યંત જરૂરી હોવાનું જણાવી નેચરલી હેબીટડ વન્ય જીવોને ખલેલ પહોંચે તેવા કૃત્યો તાત્કાલિક અસરથી બંધ કરાવી અસરકાર પગલાઓ લેવા માંગ કરી છે અન્યથા ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.

 

અહેવાલ :  બળદેવ ભરવાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here