હાલ સૌરાષ્ટ્રના માથે વરસાદ રુપી મોટી આફત આવી પડી છે. જે આફત કેટલાય દિવસથી કહેર મચાવી રહી છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. ખેતરોમાં પાણી ભરાયા તો કોઇના ઘરમાં પાણી ભરાયા. ત્યારે નદી છલકાતા પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. જેમાં કેટલાય અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમ બચાવ કામગીરી માટે જોતરાઇ ગઇ છે. ત્યારે વરસાદને કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે.
ગુજરાતમાં અતિભારે વરસાદને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. શુક્રવારે ભારે વરસાદથી આવેલા પૂરમાં તણાતા 8 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ લોકોની હાલ પૂરના પાણીમાં શોધખોળ ચાલુ છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સાંજે ચાર કલાક દરમિયાન 10 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ ખાબક્યો હતો. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખંભાળિયામાં સવારે બે કલાક દરમિયાન 5 ઈંચ સુધી ખાબક્યોહ તો. તો વિસાવદરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યુ છે. પૂરના પાણી શહેરો, ગામડાઓમાં ધસી આવ્યા છે. જેને કારણે જાનહાનિ જોવા મળી રહી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટમાં મુવડીથી પાળ જવાના રસ્તે બાઈક સાથે લઈને નીકળેયો યુવક તણાયો હતો. જેની શોધખોળ શુક્રવારે મોડી રાત સુધી કરાઈ હતી, ફાયર બ્રિગેડની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી અવ્યહતો. તો જુનાગઢના માંગરોળના કંકાણા વાડી પાસે ખેતરના રસ્તે જતા બે પિતરાઈ ભાઈઓના પૂરના પાણીમાં તણાતા મોત નિપજ્યા છે. આ ઉપરાંત માણાવદરના રઘુવીરપરામાં 55 વર્ષીય શખ્સનું પૂરના પાણીમાં તણાતા મોત નિપજ્યું છે. જેમનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત માણાવદરમાં જ સ્ટેશન પ્લોટમાંથી એક 28 વર્ષીય યુવક તણાયો હતો, જેનો મૃતદેહ પણ ફાયર વિભાગની ટીમે કામગીરી કરી શોધ્યો હતો. તો જેતપુરના રબારીકા રોડ પર ભાદર નદીમાં ગત બુધવારે માછીમારી કરવા ગયેલા 4 બિહારી યુવાનો તણાયા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા બે દિવસથી સતત તેમને શોધખોળ ચાલુ હતી. જેમાં બે દિવસની શોધખોળ બાદ 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઉપરાંત ગઈકાલે ઉપલેટા પાસે ભાદર નદીમાં ચીખલીયા ગામનો યુવક કાંઠા પર હતો ત્યારે નદીમાં પડી ગયો હતો, પૂરના પાણીમાં તે વહી ગયો હતો. જેની શોધખોળ હજી ટાલુ છે. મેંદરડા તાલુકામાં મધુવતી નદીના કોઝવેમાં એક પોસ્ટ કર્મચારી તણાયો હતો, જેનો પણ મૃતદેહ હજી મળ્યો નથી. તો જામનગરના લાલપુર તાલુકાના ધરમપુર ગામની મહિલા દક્ષાબેન રાઠોડ પણ પોતાના ઘર પાસેની નદીમાં તણાયા હતા, જેમનો કોઈ અત્તો પત્તો નથી. આ ઉપરાતં અમરેલીના વડિયાના ખાનખીજડીયા ગામથી ઢુંઢિયાપીપળીયા જતા રસ્તા પર મોટર સાઈકલ પર જતો એક યુવક તણાયો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરંતુ ભારે શોધખોળ બાદ તેનો પણ કોઈ અત્તોપત્તો નથી.