આણંદ: ૧૮ જાન્યુઆરી
જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ તાજેતરમાં યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની વર્ચ્યુઅલી બેઠકમાં તમામ અધિકારીઓને સંકલનને લગતી વિગતો સમયસર મોકલી આપવાની અને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવાની તાકીદ કરી હતી.તાજેતરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની યોજાયેલ વર્ચ્યુઅલી બેઠકમાં કલેકટર મનોજ દક્ષિણીએ આંકલાવ અને બોરસદના ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી ધારાસભ્યને સમયસર પ્રત્યુત્તર પાઠવી દેવામાં આવ્યા હોવાની અને તેનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે કે કેમ તે અંગેની જાણકારી મેળવી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસો, સી.એમ. ડેશબોર્ડની કામગીરી સહિત વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી કર્મચારીઓના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવામાં આવે અને કોઇ પ્રશ્નો પડતર રહેવા ન પામે તે જોવા પર ખાસ ભાર મૂકયો હતો. સંકલનની આ બેઠકમાં સાંસદમિતેષભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર કે. વી. વ્યાસ, સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.