બિપરજોય ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેની અસર રાજ્યના કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે. જેમાં અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેની અસર શરુ થઇ ગઇ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું આજે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું માંડવી કરાચી વચ્ચેથી કચ્છના જખૌ બંદર પાસેથી પસાર થશે. હવામાન વિભાગ અનુસાર જખૌ બંદરથી હવે વાવાઝોડું 180 કિલોમિટર દૂર છે અને ગુરુવાર સાંજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડાને પગલે ગુજરાતના કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ અને ભારે પવનને લઈને 15 જૂનના રોજ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાના ‘લૅન્ડફૉલ’ વખતે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તકેદારીનાં પગલાં ભરાઈ રહ્યાં હોવાની માહિતી આપી હતી. ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટીતંત્ર સજ્જ છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરી જોઇએ તો “સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં એનડીઆરએફની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRF ની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 2, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
કલેક્ટર કચેરી જામનગર ખાતે સિવિલ ઍડમિનિસ્ટ્રેશન અને આર્મી, નેવી અને ઍરફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 50 જવાનો 13 વાહનો મારફતે રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચી ગયા હતા. ભૂજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા અને ગાંધીનગર તથા નલીયા,દ્વારકા અને અમરેલી ખાતે ભારતીય સેનાએ પૂરની સ્થિતિને પહોંચીવળવા માટેની તાલિમનું નિરિક્ષણ કર્યું હતું. સાથે જ ભારતીય સેનાએ સિવિલ ઍડમિનિસ્ટ્રેશન અને એનડીઆરએફ સાથે મળીને કોઈ પણ પ્રકારની કટોકટીને પહોંચી વળવાની યોજના તૈયાર કરી છે.
રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને આઠ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ બંદર, વિકટર સહિતનાં બંદરો અને ટાપુ પર પોલીસ, મેડિકલ ટીમ સાથે ખડેપગે તહેનાત રાખવામાં આવી છે.
જામનગર શહેરમાં પણ સાવચેતીના ભાગરૂપે કાચાં મકાનોમાં રહેનાર લોકોને આશ્રયસ્થાનો પર ખસેડવાની કામગીરી ચાલી રહી છે. શહેરની 44 શાળાઓને આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર 600 લોકોને આ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. જામનગરમાં નાગરિક પ્રશાસન અને આર્મી બંને દ્વારા વાવાઝોડું બિપરજોયની તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરના દરીયાકાંઠાના ગામોમાં દરિયાની નજીકનાં કાચાં મકાનો કે ઝૂ૫ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 8542 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું છે. તેમજ દરિયાકાંઠાનાં ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી રાજ્ય સરકાર તરફથી બે SDRF તથા બે NDRF ની ટીમો ફાળવવામાં આવી છે. આ ટીમ પોતાના નિયત સ્થળે પહોંચી ગઈ છે. દરિયાકાંઠાના શૂન્યથી પાંચ તથા છથી 10 કિમીનાં 36 ગામોમાં આશ્રયસ્થાનો નક્કી કરી દેવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, અલંગ, સરતાનપર, મહુવા બંદર અને જિલ્લાના તમામ દરિયાકિનારા પર તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જિલ્લાના ઘોઘા ખાતે સમુદ્રકિનારે વસતા 250 જેટલા પરિવારોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાની અસરને પગલે સલામત સ્થળે ખસેડી જવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામક કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. આ સિવાય સરકાર તરફથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.