સુરેન્દ્રનગર: 14 મે
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના નાની કઠેચી ગામમાં પાણીની ભયંકર સમસ્યા ઉભી થઈ છે. ગામના 13 હજાર લોકો અને 6 હજાર માલઢોરને પાણી પુરું પાડવા સરકાર દ્વારા 2 બોર, નર્મદા લાઈન અને વિઠ્ઠલગઢથી આદીજૂથ યોજના અંતર્ગત પાણીની લાઈન નાંખી દેવામાં આવી છે. જળ માટે 4 સ્તોત્ર ઊભા કરવામાં આવ્યા હોવા છતાં ગ્રામજનોને પાણી માટે રીતસરના વલખાં મારવાનો વારો આવ્યો છે. પાટડી વિધાનસભાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, લીંબડી વિધાનસભાના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના તાલુકામાં આવતા નાની કઠેચી ગામમાં લોકો અને પશુધન પાણી માટે જે હાડમારી ભોગવી રહ્યા છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નાની કઠેચી ગામમાં 1 સમ્પં અને 1 હોજ છે. બન્નેમાં 3 ટેન્કર નાખવામાં આવે છે. 13 હજાર લોકો અને 6 હજાર માલઢોર 60 હજાર લિટર પાણીના ભરોસે જીવન ગુજારે છે. નાની કઠેચીના ગ્રામજનો જીવના જોખમે સમ્પમાંથી બેડા વડે પાણી સીંચી રહ્યા છે.
1 બોરની ઈલે. મોટર બળી ગઈ, બીજામાં માટીવાળું પાણી આવે છે. બચુભાઈ સાપરા. સરપંચ નાની કઠેચી
ગામમાં પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ છે. લોકો અને માલઢોરને જરૂર પુરતું પાણી મળી શકતું નથી. નર્મદા લાઈનમાં પાણી ઓછું આવે છે. 2 બોર છે. 1 બોરની મોટર બળી ગઈ છે. બીજા બોરમાં પાણી ઓછું અને માટી વધુ આવે છે. વિઠ્ઠલગઢથી અમારા ગામ માટે જે લાઈન નાંખવામાં આવી છે તેમાં મોટી કઠેચી ગામના લોકોએ ગેરકાયદેસર કનેક્શનો લઈ લેતા અમારા ગામ સુધી પાણી પહોંચી શકતું નથી. મેં ટીડીઓ પાસે પાણીના વધુ ટેન્કરની માગ કરી છે. 15 દિ”થી ગામના નળમાં પાણી છોડી શક્યા નથી. ટેન્કર દ્વારા જેટલું પાણી આવે છે તે થોડીવારમાં તો સફાચટ થઈ જાય છે.
નાની કઠેચી ગામે શનિવારથી 5 ટેન્કર પાણી મોકલાવીશું. એચ.જી.ઝાલા. એટીડીઓ. લીંબડી
નાની કઠેચી ગામે હાલ 3 ટેન્કરમાં 60 હજાર લિટર પાણી પહોંચાડવામાં આવે છે. ગામની હાલની જે વસ્તી છે તે પુરતું હતું. પરંતુ ગામમાં લગ્ન પ્રસંગો હોવાથી પાણીની ઘટ પડી હશે. માટે શનિવારથી નાની કઠેચી ગામે 5 ટેન્કર એટલે 1 લાખ લિટર પાણી પહોંચાડીશું. લીંબડી તાલુકાના કોઈપણ ગામમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે અમે પુરતી તકેદારી રાખી રહ્યા છીએ.
શહેરના લોકો જે પાણીથી ન્હતાં નહીં હોય એ પાણી અમે પીવી છીએ. ભગીબેન. ગ્રામજન. નાની કઠેચી
લીંબડી અને પાટડી વિધાનસભાના બબ્બે ધારાસભ્યોના વિસ્તારમાં અમારું ગામ આવે છે. મત લેવાનાં હોય ત્યારે ગાડીયુંમાં બેસાડીને અમને લઈ જાય છે. પણ પાણીની વાત આવે ત્યારે ભાજપ કે કોંગ્રેસવાળા એકપણ નેતા ડોકાતા નથી. શહેરના લોકો જે પાણીથી ન્હાતાં પણ નહીં હોય એ પાણી પીને અમે દાહ્ડા કાઢીએ છીએ. હર ઘર નલ અને નલ સે જલની વાતો તો કાગળ ઉપર છે. નેતાઓની હકીકત શું છે? અને પાણીની સાચી હાડમારી શું છે? તે જોવું હોય તો અમારા ગામમાં આવો.