પાટણ : ૧૦ જાન્યુઆરી
પાટણ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈને તેને અટકાવવાના ભાગરૂપે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં જુદાજુદા સાત સ્થળોએ કોવિડ ફલૂ કિલનીક કાર્યરત કરવામાં આવ્યા છે .
પાટણ શહેરમાં સાત સ્થળોએ શરૂ કરાયેલા ક્લિનિકમાં સવારે અને સાંજે લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થઈ શકશે . પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ રેડક્રોસ ભવન ખાતે કાર્યરત કરાયેલ કોવિડ ફલૂ ક્લીનિકનો પ્રારંભ કરાવ્યો હતો . આ પ્રસંગે સિડીએચઓ ડો. આર્ય , તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગૌરાંગ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ શહેરમાં રેડક્રોસ ભવન , જૂની અને નવી જનતા હોસ્પિટલ , ભારતીય આરોગ્ય નિધિ ટીબી ત્રણ રસ્તા અને ગોળશેરી , અંબાજી નેળિયું અને ત્રિકમ બારોટની વાવ પાસે યમુનાવાડી ખાતે એમ સાત સ્થળોએ ઓપીડી શરૂકરાઇ છે જ્યાં સવારે અને સાંજે સારવાર પુરી પાડવામાં આવશે . હળવા લક્ષણો ધરાવતા વ્યક્તિઓ અહીં આવીને ટેસ્ટિંગ કરાવી શકશે .
ડીડીઓ મેરજાએ જણાવ્યું હતું કે , કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને સંક્રમણ ફેલાય તે પહેલા તેના અટકાયતી પગલાંરૂપે દર્દીને ટ્રીટમેન્ટ મળે તે હેતુથી ટ્રેસિંગ , ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનું પાલન કરીને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા અને સંક્રમણ અટકે તે માટે તંત્રએ કમર કસી છે તેમજ એનજીઓનો સહકાર લઈને સર્વેલન્સ અને ઓપીડીની કામગીરી શરૂ કરાઇ છે .