પાટણ : 15 ફેબ્રુઆરી
પાટણ જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોએ ગૌશાળા અને પાંજરાપોળો ના નિભાવ માટે બજેટમાં કાયમી સહાય ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે જો સરકાર દ્વારા પશુઓના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ગૌશાળા અને પાંજરાપોળ અને તાળાબંધી કરી ચાવીઓ સરકારને આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોએ જીલ્લા કલેક્ટરમાં આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા પશુઓ માટે વિશેષ સહાય ની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે અને તેના આધારે ગૌશાળા અને પાંજરાપોળમાં પશુઓ માટે આ સહાય આપવામાં આવે છે . પરંતુ ગુજરાતમાં પશુઓ માટે બજેટમાં કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેને કારણે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.પાટણ જિલ્લામાં આશરે ૫૦ થી વધુ ગૌશાળાઓ અને પાંજરાપોળો કાર્યરત છે જેમાં પાંચ હજારથી વધુ ગૌવંશ સહિત અન્ય પશુઓ આશ્રિત છે.જેમાં દરેક પશુ પાછળ પ્રતિદિન રૂપિયા 70 થી વધુનો ખર્ચ થાય છે અને તમામ ગૌવંશ સહિતના જીવો ખેડૂતોના બિનઉપયોગી , સરકારી , અર્ધ સરકારી સંસ્થાઓ દ્વારા મુકવવામાં આવેલ છે . આ પશુધન પાસેથી ઉત્પાદન મેળવી શકાતું નથી . જેથી આ સંસ્થાઓ ફક્ત દાન ઉપર જ નિર્ભર છે . કોરોના મહામારી ને કારણે દાનની આવક ઘટી છે.ત્યાર બાદ કમોસમી વરસાદને કારણે ઘાસચારાની ભારે તંગીના કારણે ખર્ચમાં વધારો થતાં આવી સંસ્થાઓ આર્થિક ભીડમાં આવતી ગઈ છે માટે પશુઓ માટે સરકાર દ્વારા બજેટમાં કાયમી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.