Home સુરેન્દ્રનગર પાટડી સહકારી જીનમાં આગ લાગતા પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ ઓલવવાની...

પાટડી સહકારી જીનમાં આગ લાગતા પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાઇ

219
0
સુરેન્દ્રનગર : 21 ફેબ્રુઆરી

પાટડી સહકારી જીનમાં ગત મોડી રાત્રે અચાનક ભયાવહ આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં પાટડી નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાઇ હતી. અને મોડી રાત્રે 4થી 5 કલાકની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાઈ હતી.

પાટડી શ્રીનાથજી સોસાયટીથી ડીવોશન સ્કુલ તરફ જવાના રસ્તે આવેલી સહકારી જીનમાં ગત મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે રાત્રીના અંધારામાં ભંગારના સાધનોમાં અચાનક કોઇ અગમ્ય કારણોસર ભયાવહ આગ ફાટી નીકળી હતી. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી.

આ ભયાવહ આગની ઘટનાની જાણ થતાં મુકેશભાઇ દેસાઇ, હિતેશભાઇ રાવલ, ચંદ્રકાન્તભાઇ પંચાલ, ભરતભાઇ દરજી અને દાદુભાઇ રબારી સહિત વિશ્વ હિંદુ પરીષદ અને બજરંગ દળના યુવાનો સહિતના સામાજિક કાર્યકરો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ ભયાવહ આગમાં અંદાજે 7 ટન જેટલા ગાભા અને 3 ટન જેટલા લાકડા સહિતનો અન્ય માલસામાન બળીને ખાખ થઇ જતા આ આગમાં અંદાજે એક લાખથી વધુ રકમના મુદામાલનું નુકશાન થયા હોવાના વાવડ મળ્યા છે.

પાટડીની સહકારી જીનમાં રાત્રીના સમયે ભયાવહ આગ ફાટી નીકળ્યાના વાવડ મળતા પાટડી નગરપાલિકાના સાગરભાઇ રબારી, અલ્પેશભાઇ પ્રજાપતિ, નિતીષભાઇ ઠાકોર અને લઘરીભાઇ ઠાકોર સહિતનો સ્ટાફ ફાયર ફાઇટર, જેસીબી મશીન, પાણીનું ટેન્કર અને પ્રેસર પાઇપના ટેન્કર સહિતના સાધનો સાથે પાટડી સહકારી જીન ખાતે દોડી જઇ પાણીનો સતત મારો ચલાવી ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે ત્રણ વાગ્યે આગ પર મહદ અંશે કાબુ મેળવ્યો હતો.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here