ગોધરા : 5 ઓગસ્ટ
વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને મંજૂરી હુકમો કરાયા વિતરણ
પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલાઓને મળ્યું છે વિશેષ સ્થાન – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કામિનીબેન સોલંકી
નારી વંદન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ફેડરેશન હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
આજના આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તક વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થી બહેનોને મંજુરી હુકમો એનાયત કરાયા હતા. દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા મહિલાઓનું ટ્રોફી આપી જાહેરમાં સન્માન કરવામાં આવ્યુંઓ હતું. આ સાથે મહિલા સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પંચાયતી રાજ અને સામાજિક અન્વેષણ વિષય પર સંવાદ યોજાયો હતો. જિલ્લામાં ખેતીવાડી ક્ષેત્રે સફળ મહિલા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી બાબતે માહિતગાર કરાયા હતા. આ સંસ્થા રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૪ કલાક કાર્યરત રહીને સેવા આપે છે. ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે માહિતી અપાઈ હતી.૧૮૧ અભયમ ટીમની કામગીરી તથા સુરક્ષા સેતુ દ્વારા સ્વબચાવ નિદર્શન અને પંચાયતી રાજને લગતી બાબતોની સબંધીત અધિકારીગણ દ્વારા મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કુ.કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે એક સફળ સ્ત્રી પોતાના પરિવારને સધ્ધર બનાવે છે. આજે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ મહિલાઓને ૫૦ ટકા નેતૃત્વ મળ્યું છે. આજે સરકાર શ્રી દ્વારા મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત મળ્યું છે. તેમણે મહિલાઓને જીવનશૈલી, રહેણીકહેણી અને સમાજમાં આત્મસન્માન બાબતે માહિતી આપી હતી. આજે સરકારશ્રીના પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાંથી ફક્ત ભારતમાં મહિલાઓ માટે ૧૭૮ વિવિધ યોજનાઓ કાર્યરત થઈ છે. આજે પ્રસુતિથી લઈને બાળકીઓના શિક્ષણ માટે સરકાર સતત ચિંતિત છે. દીકરાઓના જન્મથી લઈને શિક્ષણ સુધી સરકાર શ્રી તરફથી તમામ યોજનાઓમાં મદદ કરવામાં આવી રહી છે.તેમણે મહિલાલક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપી હતી.
આજના આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રિકાબેન ભાભોર, મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી રોહનભાઈ ચૌધરી, દહેજ પ્રબંધક અધિકારીશ્રી કિરણબેન તરાળ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ,જિલ્લા પશુપાલન અધિકારી શ્રી એન.એ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી ગોધરા, જિલ્લા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, સભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીગણ/મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.