સમગ્ર જૂનાગઢ ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. વરસાદની વચ્ચે અન્ય એક આફત આવી હતી. શહેરના કડિયાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાઇ થયું હતું. જેમાં પરિવારના 3 લોકો સહિત કુલ ચારના મોત નિપજ્યા હતા. જેમાં બે બાળકો સહિત તેના પિતાનો સમાવેશ થાય છે.
શહેરમાં વરસાદી આફતના બે દિવસ બાદ જૂનાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના કડિયાવાડ વિસ્તારમાં 2 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 4 પેકી ત્રણ લોકો એક જ પરિવારના સભ્ય છે. જેમાં શાકભાજી લેવા નિકળેલા બે બાળકો અને પિતાનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય એક ચાની દુકાન ચલાવતા વ્યક્તિનું મોત થયુ છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.
બપોરના સુમારે આ દુર્ઘટના સર્જાઇ હતી. મકાન પડતાં જ આસપાસ દોડધામ મચી ગઈ હતી … મકાનના કાટમાળ તળે કેટલાક લોકો દટાઈ ગયા… NDRF, SDRF, ફાયર બ્રિગેડ અને પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. તો ઘટના સ્થળે હાજર લોકોએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી. તેમજ બચાવ ટીમો દ્વારા કાટમાળ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે સાંજ સુધીમાં ચારેય વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને પી.એમ અર્થે ખસેડાયા હતા.