Home સોજિત્રા ઘરેથી નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, સોજીત્રા પોલીસની...

ઘરેથી નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, સોજીત્રા પોલીસની સંવેદનશીલ કામગીરી

3
0

આણંદ જિલ્લાના સોજીત્રા પોલીસ સ્ટેશનની સતર્કતા, ઝડપી કામગીરી અને સંવેદનશીલ અભિગમના કારણે ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલી 14 વર્ષની સગીરાને ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે શોધી કાઢવામાં સફળતા મળી છે. સગીરા માનસિક આઘાતમાં હોવાથી પોલીસ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને હેમખેમ તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોજીત્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા રાત્રિના સમયે પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર તેમજ કોઈ સામાન લીધા વગર અચાનક નીકળી ગઈ હતી. બીજા દિવસે સવારે પરિવારજનોને ઘરમાંથી સગીરાએ લખેલી સુસાઇડ નોટ મળી આવતા પરિવાર ગભરાઈ ગયો હતો અને તાત્કાલિક સોજીત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે સગીરા જે વિસ્તારમાંથી ગુમ થઈ હતી તે વિસ્તારના તમામ CCTV કેમેરાના ફૂટેજની સઘન તપાસ કરી હતી. સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસને વધુ ઝડપી બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે સગીરા ડાકોર ખાતે હોવાની માહિતી મળતાં પોલીસ ટીમ વિલંબ કર્યા વગર ત્યાં પહોંચી હતી અને સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. ત્યારબાદ પોલીસે પ્રેમપૂર્વક તેનું કાઉન્સેલિંગ કરીને તેના મનોબળને મજબૂત બનાવ્યું અને તેને સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.સી. ચૌધરી, એ.પો.કો. કુંવરાજસિંહ જયવંતસિંહ, એ.પો.કો. મહેશકુમાર રેવાભાઈ તેમજ એ.લો.ર. જયરાજભાઈ રણજીતભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સોજીત્રા પોલીસની આ ઝડપી, ટેકનિકલ અને માનવતાભરી કામગીરીના કારણે એક પરિવારને મોટી દુર્ઘટનામાંથી બચાવી શકાયો છે, જે પોલીસની કાર્યક્ષમતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here