ક્ચ્છ : 24 ફેબ્રુઆરી
સેન્ટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામ, કુકમા, ભુજ ખાતે કચ્છ-મોરબી અને જામનગર જિલ્લાના ખેડૂતો બેઠકમાં જોડાયા.
વર્ષ ૨૦૧૯-૨૦ ના કેન્દ્રીય બજેટમાં, ભારત સરકારે આગામી ૫ વર્ષમાં ૧૦,૦૦૦ એફપીઓને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રી, ભુજ – કચ્છ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેંસ ફોર ડેટપામ, કુકમા, ભુજ ખાતે ખારેકની ખેતી કરતા ખેડુતો માટે ખારેકનું એફ.પી.ઓ. એટલે કે ફાર્મર પ્રોડ્યુસર કંપનીની રચના થાય તે માટે એક ખેડુત મીટીંગનું આયોજન ડો. ફાલ્ગુન મોઢ, સંયુક્ત બાગાયત નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને તા.૨૩/૦૨/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં ખેડૂતોને સંબોધતા સંયુક્ત બાગાયત નિયામક ડૉ. ફાલ્ગુન મોઢ દ્વારા “ખેતી એ સ્પર્ધાનો નહિં પણ સહકારનો વિષય છે” એ બાબત ઉપર ભાર મુકી ખારેકની ખેતી કરતા ખેડુતોનું સંગઠન બને અને તેમની ખેડુતોની પોતીકી “ફાર્મર પ્રોડ્યુસર કંપની” બનાવી ખારેકનું દેશ–વિદેશમાં વેચાણ કરી ખેડુતોની આવક વધે તેવા પ્રયત્નો થાય તે માટે આહવાન કર્યું હતું.
શ્રી મનિષ કાણાવત, સીનીયર સાયંટીસ્ટ, કે વી કે, કાઝરી, કુકમા દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કમ્પનીના માધ્યમથી ખેડુતોને જરૂરી ઇનપુટની ખરીદી થાય તો સસ્તા ભાવે ઇનપુટ મળવાથી ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય તે બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી નિરજ કુમાર સિંઘ, ડીસ્ટ્રીક્ટ ડેવલપમેંટ મેનેજર, નાબાર્ડ અને તેમની સાથે સંકળાયેલ એજંસીઓના પ્રતિનિધિઓ દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કમ્પની શું છે, કેવી રીતે બનાવી શકાય, કેવી કામગીરી કરી શકે અને સરકારશ્રીની કઈ કઈ યોજનાનો લાભ મળી શકે તે અંગે જીણવટભર્યુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. એફ.પી.ઓ કંપની એક્ટમાં રજીસ્ટર્ડ થવાથી કાનૂની માન્યતા પ્રાપ્ત છે. એફ.પી.ઓ ના સભ્યો સંસ્થાના શેરહોલ્ડરો હોય છે. સંસ્થાના નફાનો અમુક ભાગ સભ્યોને વહેંચવામાં આવે છે અને બાકીનો ભાગ ખેત ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. સંગઠન પોતાની આવકમાંથી નિષ્ણાતો અને સલાહકારોને રોકી શકે છે. આ મીટીંગમાં ખારેકની ખેતી સાથે સંકળાયેલ કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાના ૫૦ થી વધુ ખેડુતોએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં ખેડુતો સાથેની સઘન ચર્ચાના અંતે કચ્છ જિલ્લાનું ખારેકનું એફ.પી.ઓ. એટલે કે ફાર્મર પ્રોડ્યુસર કમ્પનીની રચના કરવાનું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. જેના ઝડપી અમલીકરણ અર્થે ૧૪ ખેડુતો અને ૩ અધિકારીઓ એમ કુલ ૧૭ સભ્યોની એક કોર કમીટીની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કમ્પનીની રચના માટે ખેડુતોને જાગૃત કરવા અને સભ્ય નોંધણી કરવાની કામગીરી ટુંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે. કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઓફિસરશ્રી કેતન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં શ્રી એમ. એસ. પરસાણિયા, નાયબ બાગાયત નિયામક, કચ્છ, શ્રી મનિષ કાણાવત, સીનીયર સાયંટીસ્ટ, કે વી કે, કાઝરી, કુકમા, શ્રી નિરજ કુમાર સિંઘ, ડીસ્ટ્રીક્ટ ડેવલપમેંટ મેનેજર, નાબાર્ડ અને તેમની સાથે સંકળાયેલ એજંસીઓના પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.