કાલોલ: 28 ડિસેમ્બર
કાલોલ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પૈકી બાકરોલ- શક્તિપુરા વચ્ચેની નર્મદા મુખ્ય કેનાલની પુર્વ દિશાની સાઈટ તરફી એક જગ્યાએ સાત-આઠ ફુટના ભાગમાં સીસી ચણતર તુટીને ભંગાણ પડતાં કેનાલની આ સાઈટ સ્થળે મોટા નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ અને ભીતીં સેવાઈ રહી છે. સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા મુખ્ય કેનાલમાં નિયમિત હજારો ક્યુસેક પાણી વહી રહ્યું છે અને હાલ જરૂરીયાત અનુસાર કેનાલને બન્ને કાંઠે છલોછલ રીતે પાણી વહી રહ્યું છે ત્યારે કાલોલ તાલુકા વિસ્તારમાં બાકરોલ બ્રીજથી શક્તિપુરા તરફ જવાના કેનાલની ઉગમણી દિશાની સાઈટના સ્થળે કેનાલના મધ્ય ભાગમાં બહારથી સાત આઠ ફૂટનું ચણતર તુટેલું હોવાનું જોવા મળે છે જે પાણીની સપાટીથી અંદરના ભાગે કેટલું તુટેલું હશે એ આકલન કરવું મુશ્કેલ છે પરંતુ બહારથી તુટેલા આ ભંગાણથી કેનાલમાં વહેતા પાણીના પ્રવાહના ફોર્સ અને વહેતા પાણીની થપાટોથી તુટેલી સાઇટની જગ્યાએ વધુ નુકસાન થવાની ભીતીને નકારી શકાય નહીં, તદ્ઉપરાંત મોટા ભંગાણની આસપાસ પણ બે ત્રણ નાનાં નાનાં બોગદા પણ જોવા મળે છે. જેથી જો સત્વરે આ નુકસાનનું સમારકામ કરવામાં ના આવે તો ભંગાણ ધરાવતી સપાટીની આસપાસ વધુ ભંગાણ વકરતા સાઈટમાં મોટું ગાબડું પડવાની પણ ભીતી સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મુખ્ય કેનાલની દેખરેખ હેઠળ નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે છે તદ્ઉપરાંત દર વર્ષે કેનાલની સાઈટો પર પણ સમારકામ કરવામાં આવે છે તેમ છતાં આટલું મોટું ભંગાણ તંત્રની નજરે નહીં પડતાં તંત્રની દેખરેખ અને સમારકામ સામે સવાલો ઉભા કરે છે જેથી જવાબદાર તંત્રએ સમયસર ચેતીને સ્થળ તપાસ હાથ ધરી ભંગાણ ધરાવતી સપાટીનું અસરકારક સમારકામ કરીને વધુ નુકસાન અટકાવી શકે તેવા પગલાં ભરવામાં આવે તેવી લોકબૂમ ઉઠવા પામી છે.