અમદાવાદની કલર મર્ચન્ટ બેંક વિવાદમાં સપડાઇ છે. ત્યારે આ બેંકનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કલર મર્ચન્ટ બેંકના ડાયરેક્ટર બિમલ પરીખનું કારસ્તાન બહાર આવ્યું છે. જેમાં સત્તાની આડમાં ડાયરેક્ટરે કરોડો રુપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરના જીવકોરબા ટ્રસ્ટ સંચાલિત કોલેજના ટ્રસ્ટીઓએ સોઈલ ટેસ્ટિંગના નામે સરકારી ગ્રાન્ટ ગેરકાયદે મેળવી તેના 1 કરોડથી વધુ રકમનાં નાણાં એક ડમી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી ઉચાપત કરી લીધા હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. જેમાં જીવકોરબા લલ્લુભાઈ ટ્રસ્ટ, આ ટ્રસ્ટ સંચાલિત કે.કે. જરોદવાલા સાયન્સ કોલેજના ટ્રસ્ટી, સંચાલક, પ્રિન્સિપાલ સહિત 9 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
એટલું જ નહીં નકલી ઓડિટ રિપોર્ટ અને ગ્રાન્ટ યુટિલાઈઝેશન સર્ટિફિકેટ તેમજ વિદ્યાર્થીઓના નામે બનાવટી વાઉચર બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગ્રાન્ટની રકમ ભરવાની હોવા છતાં નાણા ભર્યા નથી,. તમામ રેકર્ડ ખોટા હોવાનું જાણવા છતાં એક કરોડ બે લાખથી વધુની રકમ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સમગ્ર મામલે જીવકોરબા લલ્લુભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતનકુમાર શાહે આચાર્ય રૂતેશ શાહ અને અન્ય ટ્રસ્ટીઓ બિમલ પરીખ, નરેન્દ્ર શાહ, હેમંત શાહ, પંકજ શાહ, જીતુ શાહ, પંકજ શાહ, હિમાંશુ પરીખ અને હેમંત શાહ સામે ફરિયાદ નોંધાવી છે. રાજ્ય સરકારમાંથી માટી પરીક્ષણના નામે મળેલી ગ્રાન્ટનો અંગત હેતુ માટે ઉપયોગ કરી ગુનાહિત કૃત્ય આચર્યાની ફરિયાદ ઉપરોક્ત આરોપીઓ સામે કરવામાં આવી છે. આ મામલે મણિનગર પોલીસે પુરાવા એકત્ર કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2019માં મેનેજિંગ ટ્રસ્ટીને જાણ થઇ કે, દેના બેંકમાં એકાઉન્ટ કોલેજનું છે પરંતુ તેનું ઓડિટ થતુ નથી. જેથી મેનેજિંગ ટ્રસ્ટીએ તપાસ કરતા અન્ય હોદ્દેદારોએ ખોટી રીતે પૈસા મળ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી વિદ્યાર્થીઓને પૈસા ચૂકવ્યા હોવાના વાઉચરો જોઇને મેનેજિંગ ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને બોલાવીને પૂછપરછ કરતા તેમણે પૈસા લીધા ન હોવાનું જણાવ્યું હતું. અંતે કોલેજના પ્રિન્સિપાલ, સીએ સહિત હોદ્દેદારોના કૌભાંડનો ભાંડો ફૂટયો હતો.